મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ઝેરી સાપમાં આવતો એક ખડચીતળો ઘર ભૂલીને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે આવતા તમણે કોઈ ભય વિના આ સાપને પકડી જંગલમાં છોડી દીધો હતો. હજુ ગઈકાલે જ કોંગ્રેસમાં ઘર વાપસી અને ભરતી મેળાની વાત કરનાર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ઘરે ૨૪ કલાક પહેલા જ ઝેરી સાપ આવતા આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે. જો કે, તેમણે વીડિયો શેર કરવા સાથે ભાજપ પર કટાક્ષ કરતા લખ્યું છે કે, ‘ખડચીતળો’ સાપ પણ આજે સરનામું ભુલ્યો...અમને ‘એરૂ’ પકડતા ય આવડે હો ભાઈ.!

ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે જ ડીસેમ્બર સુધીમાં લોકસભાની ચૂંટણી યોજાવાની  વાત સાથે ઘર વાપસી અને ભરતી મેળાની જાહેરાત કરી હતી. આ વાતને ૨૪ કલાક થાય તે પહેલા જ તેમના ઘરે એક ઝેરી સાપ આવી ચઢતા તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં પરેશ ધાનાણી કોઈ રાજકારણને લઈને નહીં પણ તેમના ઝેરી સાપ પકડતા એક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યાં છે. પરેશ ધાનાણીએ આ શેર કરેલા આ વિડીયોમાં તેઓ બહાદુરીપૂર્વક ખડચિતળો પ્રજાતીના સાપને પકડે છે. વિરોધ પક્ષના નેતાના નિવાસસ્થાને આવી  ચઢેલા આ ફૂંફાડા મારતા સાપને પૂંછડીથી પકડી તેને મોઢાથી પકડવાનો પ્રયાસ કરતા જણાય છે.

જેમાં રાજકારણી નહીં પરંતુ, એક ખેડૂત તરીકેનો તેમનો અનુભવ આમાં કામે લાગ્યો હતો. તે જોઇને સંગ સ્ટાફ પણ દંગ રહી ગયો હતો..! જો કે, પરેશ ધાનાણીએ આ સાપને પકડીને જંગલમાં છોડી મૂક્યો હતો. આ વીડિયો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પોતે જ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો સાથે તેમણે ભાજપ પર કટાક્ષ કરતા લખ્યું છે કે, ‘ખડચિતળો’ સાપ પણ આજે સરનામું ભુલ્યો... અમને ‘એરૂ’ પકડતા ય આવડે હો ભાઈ.!

પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા થયા પછી તેમને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો જોકે ઘણા મહિનાઓ બાદ તેમણે સરકારી બંગલામાં જવાનો નિર્ણય કર્યો હતો તેઓ સરકારી બંગલામાં રહેવા જાય ત્યારે તેમના કાર્યકરો  અને ધારાસભ્યોને જમવા બોલાવવાનો તેમણે નિર્ણય કર્યો હતો.

એક તરફ ભોજન સમારંભની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે અચાનક રસેલવાઇપર જોવા મળ્યો હતો અત્યંત ઝેરી સાપની કક્ષામાં આવતો આ સાપ બંગલામાં આવી ગયો હતો. જોકે લોકોની બૂમાબૂમ સાંભળી બહાર આવેલા પરેશ ધાનાણીએ તુરંત આ સાપને પકડી લીધો હતો  આ અંગે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમણે આ પ્રકારના ઝેરી સાપ પકડવાની તાલીમ લીધેલી છે.