મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ગત એપ્રિલ મહિનામાં જાહેરાત કરી હતી કે દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી ચુકી છે. પરંતુ કેન્દ્રિય રુરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર હજુ પણ દેશમાં 5000 એવા ગામ છે જ્યાં વીજળી પહોંચી નથી. આ રિપોર્ટ અનુસાર લગભગ દરેક રાજ્યમાં એવા ગામડા છે જ્યાં હજુ સુધી વીજળીકરણ થઇ શક્યુ નથી. રિપોર્ટમાં આ પાછળનું કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપ અને આ કામ માટે જવાબદાર લોકોની બેદરકારી છે.

રુરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર આ ગામોમાં વીજળી ઝડપથી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ એવા ગામ છે જ્યાં વીજળીકરણ થવાનું હજુ બાકી છે અને ત્યા 1044 ગામમાં હજુ વીજળી પહોંચી નથી. ત્યાર બાદ ઓરિસ્સામાં 666 અને બિહારમાં 533 ગામમાં વીજળી પહોંચી નથી.

રુરલ ડેવલપમેન્ટ મંત્રાલયે વીજળીની ઉપલબ્ધતાના આધારે દેશના ગામડાઓને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. આ કેટેગરી અનુસાર જે ગામડાઓમાં દરરોજ 1 થી 4 કલાક વીજળી મળે છે તેવા દેશમાં 6586 ગામ છે. 14672 ગામડાઓમાં દરરોજ 5 થી 8 કલાક વીજળી મળે છે. જ્યારે 37168 ગામડાઓ એવા છે જ્યાં 9 થી 12 કલાક વીજળી મળે છે.    

અત્રે ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે મણિપુર રાજ્યના લેઇસાંગ ગામમાં વીજળી પહોંચવાની સાથે જ દેશના તમામ ગામડાઓમાં વીજળી પહોંચી છે. સરકારે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હેઠળ દેશના બધા ગામડાઓમાં વીજળી પહોંચાડવાની શરુઆત કરી હતી. પરંતુ રુરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના તાજા આંકડાઓમાં આ લક્ષ્યાંક હજુ ઘણો દૂર જણાઇ રહ્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યુટ ઑફ રુરલ સ્ટડીઝના નિષ્ણાત પલ્લભ ભટ્ટાચારના જણાવ્યા અનુસાર રુરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી ભલે એમ કહે કે 5 હજાર ગામડાઓમાં વીજળીકરણનું કામ બાકી છે. પરંતુ હકિકતમાં આવા ગામડાઓની સંખ્યા લગભગ 13 હજાર હોઇ શકે છે.