મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જીએસટીના અમલ બાદ રાજ્યની આવકમાં રૂપિયા ૬૩૩ કરોડનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં જીએસટી હેઠળ આવરી લેવાયેલી વસ્તુઓમાંથી જીએસટીની રકમમાં ૧૩.૮ ટકાનો ઘટાડો થયો છે. જયારે જીએસટી હેઠળ આવરી ન લેવાઈ હોય તેવી પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સની આવકમાં વધારો થયો છે. આમછતાં એકંદરે  રાજ્યની આવકમાં ૪.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

રાજ્ય સરકારે ૧૫માં નાણાપંચ સમક્ષ જીએસટીના અમલને કારણે આવક ઘટી રહી હોવાની ચિંતા વ્યકત કરી હતી. આ સંદર્ભે રાજ્ય સરકારના કોમશિર્યલ ટેકસ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગયા વર્ષે એપ્રિલથી જૂન,૨૦૧૭ના સમયગાળામાં તે વખતે લાગુ વેટની આવક રૂપિયા ૮,૯૫૮ કરોડ થઈ હતી. તેની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જૂનમાં જીએસટી આવક રૂપિયા ૭,૭૨૦ કરોડ થઈ છે, જે ૧૩.૮ ટકાનો ઘટાડો દશાર્વે છે.

ગુજરાત સરકારને જીએસટીના અમલ બાદ સમગ્ર આવક એસજીએસટી, આઈજીએસટી સેટલમેન્ટ અને પેટ્રોલ-ડીઝલ પરના વેટના સ્વરૂપમાં થાય છે. જેમાં જૂનથી એપ્રિલ ૨૦૧૭ના સમયગાળામાં પેટ્રોલ ડીઝલમાંથી રૂપિયા ૪,૯૪૩ કરોડની આવક થઈ હતી. જે ૨૦૧૮ના વર્ષમાં સમાન કવાર્ટરમાં રૂપિયા ૫,૫૪૯ કરોડ થઈ છે. આમ રાજ્યની કુલ કરની આવક એપ્રિલથી જૂન,૨૦૧૭ના સમયગાળામાં રૂપિયા ૧૩,૯૦૨ કરોડ આવક મેળવી હતી. જયારે ૨૦૧૮ના સમાન કવાર્ટરમાં જીએસટીના અમલ બાદ કુલ આવક રૂપીયા ૧૩,૨૬૯ કરોડ થઈ છે. પરિણામે રાજ્ય સરકારની કુલ આવકમાં ૬૩૩ કરોડનો ઘટાડો થતા એકંદરે સાડા ચાર ટકાનો ઘટાડો નોધાયો છે.