મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિદેશ પ્રવાસ હંમેશા વિરોધ પક્ષના નિશાન પર રહેતા હોય છે. મોદીના દરેક વિદેશ પ્રવાસ પર વિરોધ પક્ષો સવાલ ઉઠાવે છે ત્યારે હવે આરટીઆઇ હેઠળ જે ખુલાસો થયો છે જે વિરોધ પક્ષો માટે મોદી પર વાક પ્રહાર કરવાનો નવો મોકો આપશે.

આરટીઆઇમાં થયેલા ખુલાસા અનુસાર વડાપ્રધાન મોદીએ 48 મહિનાના પોતાના કાર્યકાળમાં અત્યાર સુધી 41 વિદેશી પ્રવાસો દરમિયાન 50 થી વધુ દેશોની મુલાકાત લીધી છે અને આ યાત્રાઓ દરમિયાન કુલ 355 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસોને લઇને બેંગાલુરુના એક આરટીઆઇ કાર્યકર્તાએ માહિતી માંગી હતી. જેના મળેલા જવાબ અનુસાર મોદી પોતાના 48 મહિનાના કાર્યકાળમાં લગભગ 165 દિવસ દેશ બહાર રહ્યા.

ખાસ વાત એ છે કે પીએમઓની વેબસાઇટ પર પણ વડાપ્રધાન મોદીના અત્યાર સુધીનાં વિદેશ પ્રવાસોની માહિતી ઉપલબ્ધ છે. પીએમઓની વેબસાઇટ અનુસાર આ પ્રવાસોમાં 30 યાત્રા ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા કરવામાં આવી છે અને ખર્ચ ચુકવી દેવાયો છે. જ્યારે આ ચાલુ વર્ષ 2018માં ફેબ્રુઆરી મહિનાથી જૂન સુધીના 7 વિદેશી પ્રવાસોનું બીલ હજુ ચુકવવાનું બાકી છે. બાકીની પાંચ યાત્રાઓ ભારતીય એરફોર્સના એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવી.

મોદીનો સૌથી મોંઘો વિદેશી પ્રવાસ એપ્રિલ 2015માં રહ્યો જ્યારે તેઓ યુરોપ બાદ કેનેડાના પ્રવાસે ગયા જેમાં તેઓ ફ્રાંસ અને જર્મની બાદ કેનેડાના પ્રવાસે ગયા અને આ દરમિયાન 31 કરોડ 25 લાખ 78 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. જ્યારે તેમનો સૌથી સસ્તો પ્રવાસ 15 અને 16 જૂન 2014ના રોજનો ભૂતાનનો રહ્યો હતો જ્યાં સરકારે 2 કરોડ 45 લાખ 27 હજાર 465 કરોડ રૂપિયા ખર્ચ્યા.