મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : પ્રજાના કાર્યો માટે મળતી જનરલ બોર્ડ બેઠકમાં વધુ એક વખત હોબાળો થયો હતો. ગેરલાયક ઠેરવાયેલા કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબાએ જનરલ બોર્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને અટકાવ્યા હતા. જેને લઈને મામલો ગરમાતા કોંગ્રેસના કાર્યકરોએ મનપાના ગેટ આગળ ધરણા શરૂ કર્યા હતા. જેને પગલે પોલીસે શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશ રજપૂત સહિત આગેવાનો અને કાર્યકરોની પણ અટકાયત કરતા પોલીસે ભજપના ઈશારે બંધારણની હત્યા કરી હોવાનો આક્ષેપ મહેશ રાજપુતે કર્યો હતો. બીજીતરફ વૃક્ષો વાવવા અને પ્રેક્ષક ગેલેરી ખોલવા પ્રશ્ને બોર્ડની અંદર પણ ભારે હંગામો થયો હતો. અને વિપક્ષના કોર્પોરેટરો પોતાના સ્થાનેથી ઉભા થઈને મેયરની જગ્યાએ પ્રશ્નો પૂછવા દોડી ગયા જતા હોબાળો થયો હતો. 

સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, પોલીસે ભાજપના ઈશારે બંધારણની હત્યા કરી છે. કોંગ્રેસ કાર્યાલયથી નીચે પોલીસને રજૂઆત કરવા જતા એસીપી રાઠોડે કોઈપણ વાત સાંભળવા ઈન્કાર કર્યો હતો. તેમજ સ્થાન પર બંદોબસ્તમાં રહેલા પુરૂષ પોલીસ અધિકારીઓએ કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનો હાથ પકડી ધક્કા પણ માર્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું. એટલું જ નહીં કોર્પોરેશનના ગેઈટ પાસે ધરણા કરવા જતા પોલીસે બળજબરી પૂર્વક અટકાયત કરી ભાજપના કાર્યકર તરીકે કામ કર્યું હોવાનો આક્ષેપ કરતા આ દરમિયાન પોતાને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમજ આ અંગે પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવનાર હોવાનું તેમણે કહ્યું હતું.