મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાત સરકારમાં મહેસુલ મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળતા કૌશિક પટેલને હાર્ટની બીમારી થઈ છે. એક મહિના પહેલા ન્યુમોનિયા થતાં કૌશિક પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. મહેસુલ મંત્રી કૌશિક પટેલને હાર્ટની બીમારી થોડી જટિલ હોવાથી મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં આગામી દિવસોમાં બાયપાસ સર્જરી કરાશે.

ગુજરાતનાં મહેસુલ મંત્રી કૌશિક પટેલને તાજેતરમાં જ ન્યુમોનિયા થતા અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ અને અન્ય પરીક્ષણો કરાયા હતા. તેમાં મંત્રી કૌશિક પટેલને હાર્ટમાં કોઈ તકલીફ હોવાનું લાગ્યું હતું. આથી એસજી હાઇવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમના પર એન્જિયોગ્રાફી કરાઈ છે, પરંતુ તેમને તકલીફ વધુ હોવાથી હાર્ટના નિષ્ણાંતોએ એવી સલાહ આપી છે કે, તેમણે બાયપાસ સર્જરી કરાવી પડશે. પરંતુ આ બાયપાસ સર્જરી પણ સાવ સરળ નથી, કારણ કે અન્ય કેટલીક ગૂંચવણો ઊભી થયેલી છે.

આથી મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલની બાયપાસ સર્જરી કરવામાં આવશે. જેમાં આગામી દિવસોમાં તેમને મુંબઈ લઈ જવામાં આવશે. જ્યાં વિશ્વવિખ્યાત ડોક્ટર ભટ્ટાચાર્ય દ્વારા કૌશિક પટેલના હાર્ટની બાયપાસ સર્જરી કરાશે. આ અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં જઇને ઘુટણની સારવાર કરાવી હતી. જ્યારે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને મોઢાનું કેન્સર થતા તેમણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જ સર્જરી કરાવી હતી. આ બે મંત્રીઓની તબિયત સારી થઈ ગઈ છે. પરંતુ હવે સીનીયર પાટીદાર મંત્રીની તબિયત લથડતા લોકસભાની ચૂંટણી વખતે ભાજપનું પ્રચાર અભિયાન બગડવાનો ભય વધ્યો છે.