નવી દિલ્હીઃ બેન્ક ઓફ બરોડાના વડાના હોદ્દા પરથી રવિ વેન્કટેસન નિવૃત્ત થઈ રહ્યા છે. ધીરજ સિંહ, બ્લુમબર્ગ રવિ વેન્કટેશનનું કહેવું છે કે બેન્કના મેનેજમેન્ટ માટે વધુ સત્તા આપવામાં આવે અને નિર્ણય લેવાની છૂટ આપવામાં આવે તો તેને પરિણામે બેન્કો મૂડી બજારમાં જઈને ફંડ મેળવી શકશે અને તેમની બેલેન્સશીટ (સરવૈયા)ને વધુ અસરકારક બનાવી શકશે.

સરકાર સંચાલિત ભારતની મોટી બેન્કોમાંની એક બેન્કના વડાનું કહેવું છે કે સરકારે ધિરાણ કરનારાઓ પરની તેમની પકડ ઢીલી કરી દેવાની જરૂર છે. તેમ જ ધિરાણમાં જોખમ છે તેને નામે અંકુશ રાખવાની વૃત્તિ ઓછી કરી દેવી જોઈએ. સરકારના આ વલણને પરિણામે બેન્કિંગ સેક્ટર ધીમે ધીમે ખતમ થઈ જશે.

સરકારના અંકુશને કારણે આ ક્ષેત્રમાં પ્રતિભાશાળી લોકોને આકર્ષવા કઠિન બની રહ્યા છે અથવા તો બેન્કો પર બોજરૂપ બની રહેલી ફસાયેલી મૂડી એટલે કે એનપીએની બાબતમાં આકરાં નિર્ણયો લેવા અઘરા પડી રહ્યા છે, એમ બેન્ક ઓફ બરોડાના નિવૃત્ત થઈ રહેલા વડા રવિ વેન્કટેસનનું કહેવું છે.

ખાનગી ક્ષેત્રની તેમની હરીફ બેન્કો બજારનો હજીય વધુ હિસ્સો ન કબજે કરી લે તે માટે સરકારી કે રાષ્ટ્રીયકૃત બેન્કોને વધુ અસરકારક બનાવવી જરૂરી છે. તેમનું કહેવું છે કે, નબળી બેન્કોના વિલીનીકરણ કરવાને બદલે બેન્કો મજબૂત બને તે પછી આ ધ્યેયને સિદ્ધ કરવું વધુ સરળ બનશે.

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં રવિ વેન્કટેસને કહ્યું હતું કે, ભારતમાં થોડી, સારી મૂડી ધરાવતી અને વધુ સારી રીતે ચલાવવામાં આવતી જાહેર ક્ષેત્રની બેન્કોની જરૂર છે. જાહેરક્ષેત્રની બેન્કોનો બજાર હિસ્સો - માર્કેટ શેર ઓછો થઈ રહ્યો છે ત્યારે અને તેમની મૂડી ઘટી રહી છે ત્યારે આજે ઈરાદાપૂર્વક નહીં, પણ ભૂલથી બેન્કોનું ખાનગીકરણ થઈ રહ્યું છે.

ગત નાણાંકીય વર્ષમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની 70 ટકા થાપણો ખાનગી બેન્કો તરફ ઘસડાઈ ગઈ છે. 2020ની સાલ સુધીમાં લોનના પ્રમાણમાં થનારા વધારામાંથી 80 ટકા લોનનો હિસ્સો ખાનગી બેન્કો પાસે ચાલ્યો જવાનો છે, કારણ કે વધી રહેલી એનપીએ-નોન પરફોર્મિંગ એસેટ્સને કારણે બેન્કોની મૂડીને ઘસારો લાગી રહ્યો છે. તેની અસર હેઠળ સરકારી બેન્કો પાસે ધિરાણ આપવા માટેના પૈસા ઘટી રહ્યા છે. તેથી સરકારી એટલે કે રાષ્ટ્રીયકૃત બેન્કો નબળી પડી રહી છે. બીજી તરફ કાયદાકીય જોગવાઈને પરિણામે આ બેન્કોમાં સરકાર તેનો શેરહિસ્સો 51 ટકાથી ઘટાડી શકતી નથી. તેથી ધિરાણ કરતી રાષ્ટ્રીયકૃત બેન્કોએ નવી મૂડી મેળવવા માટે સરકાર પર જ નિર્ભર રહેવું પડે છે.

રવિ વેન્કટેસન (55) અને તેમની બેન્કનાચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પી.એસ.જયકુમાર (56)ને અગાઉની પરંપરાને ચાતરી જઈને 2015ની સાલમાં ભારતના બેન્કિંગના નેટવર્કની બહારથી લાવવામાં આવ્યા હતા. બેન્કિંગ સિસ્ટમને સુધારવા માટેના નરેન્દ્ર મોદીની સરકારના પ્રયાસના ભાગરૂપે તેમને લાવવામાં આવ્યા હતા. માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના ભારત ખાતેના ચેરમેને કહ્યું હતું કે તેઓ પોતે અને સીટી ગ્રુપ ઇન્કોર્પોરેશનના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટ્ર જયકુમારે બેન્ક ઓફ બરોડામાં કંઈક મોટું કરી દેખાડવાના ઇરાદા સાથે તેમના મૂળ પગાર કરતાં ઓછા પગારે બેન્ક ઓફ બરોડાની નોકરી સ્વીકારી હતી.

આખી સિસ્ટમને સુધારવાનું કામ થકવી નાખે તેવું હોય છે. ભારતીય બેન્કોની કુલ નોન પરફોર્મિંગ એસેટ-ફસાયેલી મૂડીમાંથી 90 ટકા ફસાયેલી મૂડી જાહેરક્ષેત્રની બેન્કોની જ છે. 21 સરકારી-રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી 11 બેન્કો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની દેખરેખ હેઠળ ચાલુ કરવામાં આવેલા ઇમરજન્સી પ્રોગ્રામ હેઠળ ચલાવવામાં આવી રહી છે. આ દેખરેખને કારણે બેન્કો દ્વારા નવા ધિરાણ કરવા પર અંકુશ આવી ગયો છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના સ્થાનિક એકમ આઈક્રા લિમિટેડનો અંદાજ છે કે ભારતની કુલ લોનમાં 8 ટકાથી માંડીને 9.5 ટકા સુધીનો વધારો 31મી માર્ચ 2020 સુધીમાં થવાનો છે. લોનના પોર્ટફોલિયોમાં થનારા આ વધારામાંથી 80 ટકા બિઝનેસ ખાનગી બેન્કો તરફ ખેંચાઈ જવાનો છે.

સરકારના નિયંત્રણ હેઠળ ચાલતી બેન્કોમાં થતાં ફ્રોડ- છેતરપિંડીનું પ્રમાણ બેન્કિંગ સેક્ટરમાં થતાં કુલ ફ્રોડના 85 ટકા જેટલું ઊંચું છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. સરકારની માલિકીની પંજાબ નેશનલ બેન્કે આ વરસના આરંભમાં થયેલા કૌભાંડમાં બે અબજ ડોલર ગુમાવ્યા છે. તેને પરિણામે તેનો નફો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. તેથી તેને નવી મૂડી માટે કેન્દ્ર સરકાર તરફ નજર દોડાવવાની ફરજ પડી છે.

જાહેર ક્ષેત્રની બેન્કોનો કુલ લોનમાં હિસ્સો

હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરનાર રવિ વેંકટેસન એક પણ બેન્કનું નામ આપ્યા વિના જ કહે છે કે જાહેરક્ષેત્રની બેન્કોની સિસ્ટમને કારણે તેમને અણધારી સ્થિતિનો વધુ સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ધિરાણ આપતી આ બેન્કોમાં સુધારાઓ નહીં કરવામાં આવે તો બેન્કોના આ રીતના પતનની ગતિમાં વધારો જ થશે,એમ પણ તેમણે કહ્યું હતું.

રવિ વેંકટેસને સરકારને ભલામણ કરી છે કે સૌ પ્રથમ તો બેન્કના બોર્ડને તેમનું પોતાનું મેનેજમેન્ટ તૈયાર કરવાની છૂટ આપીને સરકાર આ દિશામાં પહેલા કરી શકે છે. વ્યૂહ નક્કી કરવા માટે તેમને છૂટ્ટો દોર આપી દેવો જોઈએ. અત્યારે બેન્કોમાં સિનિયર લેવલના હોદ્દા પર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી પેનલ દ્વારા જ નિમણૂંક કરવામાં આવી રહી છે.

એકવાર બેન્કના મેનેજમેન્ટની બાબતમાં અને નિર્ણય લેવાની બાબતમાં તેમના હાથમાં વધુ સત્તા આવશે સરકારી બેન્કો નોન પરફોર્મિંગ એસેટની તેમને સમસ્યાને વધુ અસરકારક રીતે નિપટાવી શકાશે. આખરે તેમના સરવૈયા (બેલેન્સશીટ)ને મજબૂત બનાવવા માટે આ બેન્કો મૂડીબજારમાં જઈને નવી મૂડી પણ ઊભી કરી શકશે. રવિ વેન્કટેસને કહ્યું હતું કે આ તબક્કે જ સરકારે રાષ્ટ્રીયકૃત બેન્કોમાંનો તેમનો શેર હિસ્સો ઘટાડવાની તૈયારી કરવી પડશે.

આ વર્ષના આરંભમાં રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલે આ અંગેની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારી એટલે કે રાષ્ટ્રીયકૃત બેન્કો પર સુપરવિઝન કરવામાં કેટલાક અવરોધો આવે છે. પંજાબ નેશનલ બેન્કનો ફ્રોડ બહાર આવ્યો તે પછીના નજીકના સમયમાં જ વાત કરતાં તેમણે આ રજૂઆત કરી હતી. આ તબક્કે સરકારી અધિકારીઓ દ્વારા એવા પણ નિવેદન કરવામાં આવ્યા હતા કે કોઈપણ કૌભાંડ માટે રાજકારણીઓના માથે જ અયોગ્ય રીતે દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. તેની સામે બેન્ક પર દેખરેખ રાખનારી સંસ્થાઓ આસાનીથી છટકી જાય છે. આ નિવેદનના પ્રતિભાવરૂપે જ ઊર્જિત પટેલે ઉપર મુજબનું નિવેદન કર્યું હોવાનું માનવામાં આવે છે. રવિ વેન્કટેસનની માફક જ ઊર્જિત પટેલે પણ એવી નોંધ કરી હતી કે સરકાર સંચાલિત બેન્કોના મેનેજમેન્ટને રિઝર્વ બેન્ક દૂર કરી શકતું નથી. તેમ જ આ બેન્કોના વિલીનીકરણ માટે પણ તે દબાણ લાવી શકતું નથી. તેમ જ આ બેન્કને ફડચામાં લઈ જવાનો નિર્ણય પણ તે કરી શકતી નથી. 

રવિ વેન્કટેસનની દેખરેખ હેઠળ બેન્ક ઓફ બરોડાએ પોતાની જાતને અન્ય બેન્કોથી અલગ બેન્ક તરીકે ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બેડ લોન એટલે કે ફસાયેલી મૂડીને ક્લિયર કરવા માટે તેણે પણ સરકારી નિયમોને અનુસરીને જ આગળ વધવું પડતું હતું. બેન્કોના ખર્ચ ઓછા કરવા માટે ડિજિટાઈઝેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઘણી બધી બાબતોમાં અન્ય સરકારી બેન્કોની તુલનાએ બેન્ક ઓફ બરોડાની કામગીરી વધુ સારી રહી હતી. જૂન મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો નફો રૂા.530 કરોડને આંબી ગયો હતો. વિશ્લેષકોએ માંડેલા ગણિતો કરતાં આ નફો ત્રણ ગણો વધારે હતો. બેન્ક ઓફ બરોડાના પરફોર્મન્સનું સતત અવલોકન કરી રહેલા વિશ્લેષકોમાંથી 80 ટકા વિશ્લેષકોએ બેન્ક ઓફ બરોડાના શેર્સ ખરીદવાની ભલામણ કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં બેન્ક ઓફ બરોડાની કામગીરી આ સમયગાળામા જોવા મળી હતી, એમ બ્લુમબર્ગ દ્વારા એકત્રિત કરવામાં આવેલી વિગતો પરથી જણાઈ રહ્યું છે.

બેન્ક ઓફ બરોડાએ ઘણી બધી કેટેગરીમા અન્ય રાષ્ટ્રીયકૃત બેન્કોની તુલનાએ સારી કામગીરી કરી બતાવી છે.

રવિ વેન્કટેસનના વડપણ હેઠળના મેનેજમેન્ટ જાહેરક્ષેત્રની અન્ય બેન્કોની તુલનાએ ઘણી જ આગળ મૂકી દીધી છે, એમ ગુઈનેસ સિક્યોરિટીઝન લિમિટેડના સંશોધન વિભાગના વડા સૌમેન ચેટરજીનું કહેવું છે. અમે બેન્ક ઓફ બરોડાના શેર્સની ખરીદી કરવાની ભલામણ કરી રહ્યા છીએ. 

બેન્ક ઓફ બરોડાના શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓએ પણ છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ જ કમાણી કરી નથી. ભારતના બેન્કેક્સ ઇન્ડિક્સમાં સ્થાન ધરાવતી 10 બેન્કોમાંથી બીજા ક્રમનું સૌથી ખરાબ પરફોર્મન્સ બેન્ક ઓફ બરોડાનું હતું. સોમવારે મુંબઈ શેરબજારમાં તેના શેરનો ભાવ રૂા. 151.75નો બોલાયો હતો. 35 વિશ્લેષકોના સર્વેક્ષણને આધારે બ્લુમબર્ગે તૈયાર કરેલા રૂા. 172.69ના ભાવ કરતાંય બેન્ક ઓફ બરોડાના શેરનો ભાવ નીચે રહ્યો હતો.

બેન્ક ઓફ બરોડાના શેર્સ ખરીદનારાઓમાં પણ એવી આશંકા હતી કે બેન્ક ઓફ બરોડાની ફસાયેલી મૂડી ખરેખર ટોચ પર પહોંચી ગઈ છે. તેમને ચિંતા હતી કે બેન્ક ઓફ બરોડાને અન્ય મજબૂત બેન્કમાં વિલીન કરી દેવાની સરકાર ફરજ પાડશે. સીઈઓ જયકુમારને બીજી મુદત માટે બેન્કમાં નિમણૂંક આપવામાં આવશે કે નહીં તે અંગે પણ તેઓ અનિશ્ચિત હતા, એમ રવિ વેન્કટેસને જણાવ્યું હતું. રવિ વેન્કટેસન આવતા મહિને નિવૃ્ત થઈ રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે મારો આત્મ વિશ્વાસ બુલંદ છે, કારણ કે આ ત્રણ મુદ્દાઓના સંદર્ભમાં જોવા મળતી અનિશ્ચિતતાઓમાં ઘટાડો થયો છે. શેરના ભાવમાં જે વધારો જોવા મળશે તે જ બેન્ક ઓફ બરોડાના બિઝનેસની તાકાતને પ્રતિબિંબિત કરશે.

આ અહેવાલ ધ પ્રિન્ટમાંથી સહાભાર લેવાયો છે