મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ગુજરાતમાં પણ સત્તાધારી ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે. તમામ પાંચ રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ પ્રજાના આક્રોશ સાથે ભાજપની પીછેહઠ થતાં હવે જસદણમાં ભાજપ સહિત મોદી-શાહની આબરૂ બચાવવા માટે વધુ ગંભીરતાથી પ્રયાસ કરવાનું આયોજન કરવું પડશે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સત્તાધારી ભાજપ માટે ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની યોજાનારી પેટાચૂંટણી અંગે વોર્નિંગ બેલ વગાડી દીધો છે. છેલ્લા ૨૦ વર્ષમાં ભાજપને આ વખતે સૌથી ઓછી ૯૯ બેઠક જ મળી છે. જયારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા જ મંત્રી પદ આપનાર ભાજપને હવે કુંવરજી બાવળિયાને આયાતીનો ભેદભાવ ભૂલીને પણ જીતાડવા પડે તેમ છે. આથી આ પાંચ રાજ્યોના પરિણામો પહેલા પણ ભાજપ દ્ધારા સમગ્ર મંત્રીમંડળ અને સંસદ પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની સહીત સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

પાંચ રાજ્યોના પરિણામો જસદણ બેઠકની પેટાચૂંટણી પર અસર કરે તેવી સર્જાયેલી પરિસ્થિતિમાં ભાજપની ઊંઘ ઉડી ગઈ છે. આજે ઉત્સવ કે ઉજવણીની વાત તો બાજુએ રહી, પરંતુ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કાગડા ઉડ્યા હતા. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઠમાં ભાજપની સત્તા છીનવાઈ જવા સાથે તેલંગાણા અને મિઝોરમમાં ખાતું પણ માંડ ખોલાવી શક્યું છે. જયારે કોંગ્રેસે સાડાચાર વર્ષમાં પહેલીવાર બે-ત્રણ રાજ્યોમાં વિજયનો સ્વાદ ચાખી સત્તા મેળવી છે. પણ આ સાથે હરખાવવા જેવું એટલા માટે નથી કે, તેલંગાણા અને મિઝોરમમાં કોંગ્રેસનું પણ ધોવાણ થયું છે.

ગુજરાતમાં છેલ્લી વિધાનસભામાં મોદી-શાહની જોડી છતાં માંડમાંડ સત્તા મેળવનાર ભાજપને હિન્દી પટ્ટામાં પરાજયથી કળ વળતા વાર લાગશે. ત્યારે જસદણમાં પરાજયથી મોદી-શાહની આબરૂ સાથે મુખ્યમંત્રી રૂપાણીનું સિંહાસન પણ જઈ શકે તેવી શક્યતા છે. જયારે બીજી તરફ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતો અને પાટીદાર અનામત જેવા પ્રશ્નો સાથે મેદાનમાં રહેલી કોંગ્રેસ જૂથબંધીમાં વહેંચાઈ જાય નહિ તો જ આ ગઠ સચવાય તેમ છે. જેમાં કુવરજી બાવળિયાના પક્ષપલટો અને કોંગ્રેસના અવસર નાકીયાની આમઆદમીની ઈમેજના કારણે કોંગ્રેસ માટે એડવાન્ટેજ છે.