મેરાન્યૂઝ નેટવર્ક.મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અંતર્ગત બનેલા ઘરોમાં લાગેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તસવીરો હટાવવામાં આવશે. આ કાર્યવાહી હાઈકોર્ટની ગ્વાલિયર બેંચના આદેશ પર થશે. બુધવારે (19 સપ્ટેમ્બર)એ કોર્ટે કહ્યું કે આ મકાનોના અંદર ટાઈલ્સ પર પીએમ મોદી અને સીએમ ચૌહાણની તસવીરો હટાવી દેવામાં આવે. કોર્ટે આ કામ કરવા માટે 20 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. કોર્ટે આ સાથે સાફ કહ્યું કે ઘરોમાં કોઈ બીજા રાજનેતાઓની તસવીરો પણ ન લગાવવી જોઈએ.

કેન્દ્ર સરકારે આ પહેલા કોર્ટને કહ્યું હતું કે પીએમ અને સીએમના ફોટો વાળા ટાઈલ્સ હટાવી લેવામાં આવશે. મંગળવારે તેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે તસવીરો હટાવવાના આદેશ આપી દેવાયા છે. એવું પણ કહેવાય છે કે ટાઈલ્સ પર ફક્ત પીએમએવાયનો લોગો જ નજરે પડશે.

ઉલ્લેખનીય છે કે જુલાઈમાં આ મામલાને લઈને એક અરજી (પીઆઈએલ) દાખલ થઈ હતી. અરજ કર્તાએ તેના માધ્યમથી ફરિયાદ કરી હતી કે આ મકાનોમાં પીએમ અને સીએમની તસવીરો કેમ ઉપયોગમાં લેવાઈ? અરજ કર્તાના વકીલે તે પાછળનો તર્ક આપતા કહ્યું કે જનતાના રુપીયાથી બનાવેલા મકાનો છે, ન કે ચૂંટણી ફાયદાઓ માટે તેનું નિર્માણ કરાયું છે.