મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરની ગુરુ ગોવિંદ સિંહજી હોસ્પીટલ સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના ધરાવે છે. રોજની હજારોની સંખ્યામાં ઓપીડી ધરાવતી આ હોસ્પીટલમાં સુવિધાઓની સાથે ભારોભાર દુવિધાઓ પણ ભરેલી છે. ક્યારેક દવાના સાંધા હોય તો ક્યારેક એક્સરે-એમઆરઆઈ બંધ હોય, તો વળી ક્યારેક ખૂટી પડે છે ખાટલા, આ તમામ દુવિધાઓ વચ્ચે એક વ્યવસ્થા એવી પણ છે જે ખોટવાઈ જાય ત્યારે દર્દીઓને તો રીતસરનું કણસવું જ પડે છે પરંતુ સગાસબંધીઓએ પણ તાકાતનો પરચો બતાવવો પડે છે, નીચે દર્શાવેલા વીડિયો આપ ખુદ જોશો ત્યારે ખરેખર ખ્યાલ આવશે કે તંત્ર આટલું નિષ્ઠુર કેમ?

દેશની આઝાદી પૂર્વે નિર્માણ પામેલ જામનગરની જે તે સમયની ઈરવીન અને હાલની ગુરુ ગોવિંદ સિંહજી હોસ્પિટલ અનેક દર્દીઓને નવ જીવતદાન આપી ચુકી છે. સામાન્યથી માંડી ગંભીર બીમારીમાં સપડાયેલા અનેક દર્દીઓ સ્ટ્રેચરમાં આવતા હોય છે અને સારવાર બાદ ચાલીને હર્ષભેર પરત જતા હોય તેવા અનેક વખતના દ્રશ્યો નવી બાબત નથી. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ જેટલી સુવિધાઓ  છે એટલી દુવિધાઓ પણ છે. ત્રણ સ્થળોએ ચાલતા એક્સરે મશીન વારે વારે ખોટવાઈ જાય છે જેને કારણે અકસ્માતગ્રસ્ત દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે.

 લગભગ તમામ બીમારીઓઓના વોર્ડ ધરાવતી આ હોસ્પીટલ દરરોજ એક હજાર ઉપરાંતની ઓપીડી ધરાવે છે. યુરોલોજીસ્ટને બાદ કરતા લગભગ તમામ અનુભવી ડોકટરો અહી છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ ક્યારેક સિરીંજ, તો ક્યારેક સ્ટ્રેચર ખૂટી પડે છે. ક્યારેક દવાઓનો અભાવ દર્દીઓને ખાનગી દવા લેવા મજબુર કરે છે તો ક્યારેક હૈયાત ઇલેક્ટ્રિક સાધનોમાં વારે વારે સમસ્યા સર્જાતા દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓએ મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. બહુમાળી આ હોસ્પીટલમાં અવારનવાર લીફટ ખોટવાઈ જતા દર્દીઓને ચાલીને ઉપરના માળે ચડવું પડે છે. લીફ્ટ બંધ હોવાથી ગંભીર બીમાર દર્દીઓને તો સ્ટ્રેચર સાથે જ ઊંચકીને લઇ જવામાં આવે છે. આ કામ માટે હોસ્પિટલનો સ્ટાફ તુરંત ના પાડી દે છે એટલે પરાણે દર્દીઓના સંબંધીઓએ સ્ટ્રેચર ઉચકીને દર્દી એક વોર્ડમાંથી અન્ય વિભાગમાં લઇ જવાય છે.

કાયમી બની ગયેલા આ દ્રશ્યો વહીવટી તંત્રની સામે જ બને છે પરંતુ ક્યારેય તંત્ર ગંભીર બન્યું જ નથી. જીલ્લા સમાહર્તા નિયમિત હોસ્પીટલની મુલાકાત કરે છે પરંતુ સ્થાનિક પ્રસાસન તેઓને પરીશરની ટ્રાફિક સમસ્યા અને તબીબો પર દર્દીઓના સંબંધીઓના હુમલાની ફરિયાદો કરે છે. એટલે કે તંત્ર પોતાની સમસ્યાઓ છુપાવે છે. હાલ હયાત લીફ્ટ પૈકીની મોટા ભાગની લીફ્ટ બંધ હાલતમાં છે છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. એક્સરે અને એમઆરઆઈ વોર્ડની બહાર તો વારે વારે ચાલુ-બંધના બોર્ડ લાગેલા જોવા મળે છે. ઓર તો ઓર ગાયનેક વોર્ડની લીફ્ટ પણ વારે વારે ખોટવાઈ જતા પ્રસુતાઓને ઊંચકીને વોર્ડમાં લઇ જવામાં આવે છે. આ દ્રશ્ય ક્યારે બદલાશે ? એ પ્રશ્નો ઉત્તર મળવો મુસ્કેલ છે. જન પ્રતિનિધિઓ હોસ્પીટલમાં નિયમિત ચક્કર લગાવી, વહીવટી તંત્ર સાથે મીટીંગો  કરી કામ કર્યા નો સંતોસ માને છે. પણ ગ્રાઉન્ડ ઝીરો પરની વાસ્તવિકતા ભયાનક છે એ જન પ્રતિનિધિને ક્યારેય નજરે પડતું નથી.

સૌરાષ્ટ્રની સૌથી મોટી આ હોસ્પીટલની સારવાર માટે એક એવી માન્યતા પણ બંધાઈ ગઈ છે કે થોડી ઓળખાણ કે લાગવગ હોય તો જ સારી અને સમયે સારવાર મળે છે, બાકી અનેક દર્દીઓ દરરોજ સારવારમાં અનીયમીતતાની ફરિયાદો કરી નિસાસા નાખતા નજરે પડે છે.