મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ 2017 વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ સરકારે કારડિયા રાજપુત સમાજના આગેવાન દાનસંગ મોરી સામે નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની જાહેરાંત કરી સમાધાન કરી લીધુ હતું, પરંતુ ભાજપનો સ્વાર્થ પુરો થતાં હવે ભાજપ સરકારે તેમને ઠેંગો બતાડયો છે. ધંધુકાના રાજપુત આગેવાન નરેન્દ્રસિંહ અસવારના પિતાના અવસાન નિમિત્તે રાખવામાં આવેલી શોક સભામાં રાજપુત આગેવાનો હાજર રહ્યા હતા જેમાં દાનસંગ મોરીના કેસની ચર્ચા નિકળી હતી. આગેવાનોએ જણાવ્યું કે, આ મામલે મધ્યસ્થી કરનાર વજુભાઈ વાળાને રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, ભાજપ સરકાર અને અમિત શાહ હવે આ કેસ પાછા ખેંચવાની ના પાડી રહ્યા છે. જેના કારણે હું કાંઈ કરી શકૂું તેમ નથી. 

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આડોડાઈ સામે લડત માંડનાર ભાવનગરના બુઘેલ ગામના કારડિયા રાજપુત આગેવાન દાનસંગ મોરી સામે વિવિધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના કારણે 2017માં રાજપુત સમાજે રાજ્ય વ્યાપી મોટુ આંદોલન કર્યું હતું અને રાજ્યભરના રાજપુતો એકત્રીત થયા હતા. આ આંદોલનને કારણે વિધાનસભાની ચૂંટણીમાં નુકશાન જશે તેવો ડર લાગી જતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વજુભાઈ વાળા સહિતના રાજપુત આગેવાનો અને સરકારી અધિકારીઓને રાજપુતોને સમજાવવા માટે મોકલ્યા હતા. જો કે તેમાં કોઈ ફળદાઈ પરિણામ આવ્યું ન્હોતુ, ત્યાર બાદ અમિત શાહે આ મામલો પોતાના હાથમાં લીધો હતો અને કાનભા રજોડા સહિતના આગેવાનો બોલાવી સમાધાન કરવા માટે તૈયાર કર્યા હતા.

જો કે રાજપુત સમાજના યુવાનોની જાણ બહાર સમાધાન થઈ જતા અને યુવાનો નારાજ પણ થયા હતા, જો કે ભાજપનો સ્વાર્થ પુરો થયો અને ચૂંટણી પુરી થયા પછી પણ દાનસંગ મોરીના કેસ પાછા ખેંચવા ખાસ કોઈ કાર્યવાહી થઈ નહીં, દાનસંગ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરાવવા માટે દાનસંગ સહિત અનેક રાજપુત આગેવાનો સચિવાયલના ધક્કા ખાતા રહ્યા પણ હવે તેમને કોઈ સાંભળવા પણ તૈયાર ન્હોતા. આંદોલન વખતે મધ્યસ્થીની ભૂમિકા અદા કરનાર વજુ વાળા પોતે પણ કારડિયા રાજપુત છે. રાજપુત આગેવાનોએ વજુભાઈને ભાજપે આપેલા વચન યાદ કરાવી ફરિયાદ પાછી કરાવી આપવાની માગણી કરી હતી, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે વજુભાઈ વાળાએ ભાજપ સરકાર ચાર ફરિયાદ રદ્દ કરવા તૈયાર નથી તેવું નિવેદન કરતા રાજપુત આગેવાનો સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમાજના યુવાનોને નારાજ કરી સમાધાન કર્યા પછી ભાજપે મુર્ખ બનાવ્યા હોવાની લાગણી થઈ હતી.

વજુભાઈ વાળાએ કરેલા નિવેદન બાદ રાજપુત આગેવાનો નારાજ અને ગુસ્સામાં છે આ સંદર્ભે હવે ફરી લડાઈ શરૂ કરવાના એંધાણ મળી રહ્યા છે. આગામી બે દિવસમાં ભાજપ સરકાર સામે ફરી રાજપુત સમાજ મોરચો ખોલશે અત્રે ઉલ્લેખનિય છે કે પથ્થર નીચે હાથ હોય ત્યારે ભાજપના નેતાઓ સાંભળે છે. 2019 લોકસભાની ચૂંટણી સામે છે તેના કારણે સંભવ છે કે ભાજપ કારડિયા રાજપુતો સાથે વાત કરશે પછી તો કદાચ તું કોણ અને હું કોણની જુની નીતિ અખત્યાર થશે તેવી શક્યતા છે.