મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: નોટબંધી દરમિયાન રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરી નવી રૂપિયા 500 અને 2000ની નોટ જાહેર કરાયા બાદ અન્ય દરનો નોટ પણ ધીમે ધીમે નવી છાપવામાં આવી રહી છે. આ ક્રમમાં આજે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં રૂ. 20ની નવી નોટ બજારમાં આવશે. જો કે હાલ ચલણમાં રહેલી રૂપિયા 20ની નોટ પણ માન્ય રહેશે અને ચલણમાં રહેશે.

મહાત્મા ગાંધી (ન્યૂ) સીરિઝ હેઠળ નવી રૂપિયા 20ની નોટ પર ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. 20 રૂપિયાની નવી નોટ થોડા લીલા-પીળા રંગની હશે. નોટ પર ઇલોરાની ગુફાઓનું ચિત્ર હશે. નવી નોટનો આકાર 63 એમએમ બાય 129 એમએમ હશે.  અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં નોટબંધી બાદ રૂપિયા 2000, 500, 200, 100, 50 અને 10ની નવી આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવી છે.