મેરાન્યૂઝ નેટવર્ક, જામનગરઃ જમ્મુના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉનાઓમાં ઘટેલી ઘટનાઓને લઈને સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચારે બાજુથી આરોપીઓ સામે ફીટકારની લાગણી વરસાવી રહી છે. સમગ્ર દેશ આઘાતમાં ડૂબી ગયો હોય તેમ સોસીયલ મીડિયામાં નામી-અનામી નાગરિકોના વોલ અને સ્ટોરી આઇકન પર આ ઘટનાની સ્પસ્ટ નિંદા કરવામાં આવી રહી છે. રાજકીય વિસ્લેશ્કો, રાજકારણીઓથી માંડી તમામ સેલેબ્સે આ બનાવની પોત પોતાની ભાષામાં નિંદા કરી છે. બોલીવૂડથી માંડી ક્રિકેટ સેલેબ્સ દ્વારા પણ આ ઘટનાને વખોળી કાઢવામાં આવી છે.

જેમાં સૌરાષ્ટ્રના ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. જમ્મુના કઠુઆમાં જાન્યુઆરી માસ દરમિયાન ઘટેલી ઘટના અંગે નજર કરીએ તો, આઠ વર્ષની એક માસૂમ બાળકી ઘોડા ચરાવવા ગઈ તે પછી તેનું અપહરણ કરાયું. એ બાળકીને નશીલી દવા ખવડાવી બેભાન કરી દેવાઈ. એક ધર્મસ્થાનમાં લઈ જઈને તેની ઉપર સામુહિક બળાત્કાર ગુજારાયો. ત્રણ દિવસ સુધી એ પાપાચાર ચાલ્યો. બાળકી ભાનમાં આવે એટલે ફરી નશીલી દવા ખવડાવી બેભાન કરી દેવામાં આવે અને તેના માસૂમ મૂર્છિત દેહને રાક્ષસો દુષકર્મ કરતા રહ્યા અંતે બાળકીને ગળે ટુંપો દઈ મારી નાખી. મરી ગઈ કે નહીં એ નક્કી નહોતું થતું એટલે માસુમના માથા પર વજનદાર પથ્થરો ઝીંક્યા. મૃતદેહને એ પરિસરમાં જ દાટી, બીજે દિવસે જંગલમાં ફેંકી દીધો. મૃતદેહ મળ્યા બાદ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી. તપાસ દરમિયાન આ અમાનુષી કૃત્યની તમામ હકીકતો સામે આવી. બળાત્કાર, હત્યા, મદદગારી, પુરાવાનો નાશ વિગેરે ગુના હેઠળ સાત લોકોની ધરપકડ કરાઈ જેમાં બે પોલીસ ઓફિસર અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

આ જ કોસ્સાને ટાંકીને દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. સોશ્યલ મીડિયામાં આ ઘટના એટલી ટ્રોલ થઇ કે પછી, દેશના વડાપ્રધાને પણ મૌન તોડયું, બોલીવૂડના અભિનેતા-અભિનેત્રીઓ, મોડેલોએ આ ઘટનાની નિંદા કરતા બોર્ડ સાથેની પોતાની તસ્વીરો સોસીયલ મીડિયામાં મૂકી અને આ ઘટનાથી પોતાને થયેલ દુઃખની લાગણી દર્શાવી છે.

જામનગરના મૂળ અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ આજે ઇન્સ્ટાગ્રામના પોતાના ‘રોયલનવઘણ’ નામની વોલ પર સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં સ્પષ્ટ લખ્યું કે હું હિન્દુસ્તાની છું, હું શરમિંદા છું, બાળકીને ન્યાય આપો, દેવસ્થાન મંદિરમાં આઠ વરસની સગીરા સાથે થયેલા બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી બાળકીને ન્યાય આપો, આવી જ રીતે ઘણી નામી અનામી વ્યક્તિઓએ બનાવને વખોળી કાઢ્યો છે.