મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને તેના પત્ની રીવાબા દ્વારા ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કર્યા બાદ જામનગર સહિત રાજ્યભરમાં રાજકીય સમીકરણોનો દોર શરુ થયો છે. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે થયેલ મુલાકાતને રાજનીતિના નવા આયામ સાથે જોડવામાં આવી રહી છે. ભાજપની રણનીતિ અને પક્ષના ધારાધોરણો તેમજ છેલ્લી ઘડીની ચહલ-પહલને બેઝ બનાવી અનેક રાજકીય પંડિતોએ ગણિત માંડી રીવાબાને ભાજપા આગામી લોકસભામાં જામનગર બેઠક પરથી ઉતારશે એમ સમીકરણો સાથે તર્કબદ્ધ દલીલો પણ રજુ કરી છે.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા લગ્ન બાદ રાષ્ટ્રીય સ્તરે ત્યારે ચર્ચામાં હતા જયારે જામનગર ખાતે એક પોલીસકર્મીએ અકસ્માત બાદ દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટનામાં છેક ગૃહમાંથી આદેશ છૂટ્યા હતા કે આરોપી સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે, આ ઘટના બાદ રીવાબાની કરણી સેનાની કમાન સોપવામાં આવી ત્યારે રાષ્ટ્રીય સ્તરે વધુ એક વખત મીસીસ જાડેજાનું નામ ચર્ચામાં આવ્યું હતું. રીવાબાના સતત વધતા કદ વચ્ચે ગઈ કાલે વધુ એક વખત રવીન્દ્ર અને રીવાબા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન મોદી સાથે જાડેજા દંપતીએ શુભેચ્છા મુલાકાત કરી એકબીજા સાથે તાદામ્યતા સાધી હતી. ભલે મુલાકાત માત્ર ૨૦ જ મીનીટની જ અને ઔપચારિક પણ હોય, પરંતુ આ મુલાકાતને ગુજરાતની રાજનીતિમાં નવા આયામ તરીકે ગણવામાં આવી રહી છે.

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે રાષ્ટ્રીય સ્તરની તમામ પાર્ટીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપાએ પોતાની તોતિંગ બહુમતી જાળવી રાખવાના નેમ સાથે ચૂંટણી અભિયાનની ક્યારનીય શરૂઆત કરી દીધી છે.

જામનગર લોકસભા સીટની વર્તમાન રાજકીય સ્થિતિ 

મોદી લહેર વચ્ચે ગત લોકસભાની જામનગર બેઠક ભાજપાએ તોતિંગ બહુમતીથી જીતી હતી. ત્યારબાદ છેલ્લા સાડા ચાર વર્ષમાં બેઠકની રાજનીતિમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. સરકારી-અર્ધ સરકારી અને સહકારી સંસ્થાઓની અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ તેમજ વિધાનસભાની ચૂંટણી પૂર્વે તથા ચૂંટણી બાદ સ્થાનિક રાજનીતિમાં ગણનાપાત્ર બદલાવ આવ્યા છે. વિકાસની રાજનીતિ વચ્ચે ભાજપનું કોંગ્રેસીકરણ થયું જ છે. જેને લઈને ખુદ ભાજપમાં જ અપારદર્શી અસંતોષ ફેલાયો જ છે.આ અસંતોષને મોવડી મંડળ હજુ સુધી ડામી શક્યું નથી એ વાસ્તવિકતા છે. હાલ આનંદીબેન- રૂપાણી જૂથ વચ્ચે સતત ખેચતાણ સર્જાય છે. તો બીજી તરફ કેન્દ્રની પણ દખલગીરીને લઈને પણ અંદરખાને ક્યાંકને ક્યાંક સમુસુતરું નથી તેવો ચિતાર જોવા મળી રહ્યો છે. ભાજપમાં ભળેલ કોંગ્રેસના નેતાઓને અંદરખાને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. રાઘવજીભાઈએ અમદાવાદ ખાતે મીડિયા સમક્ષ આપેલ નિવેદન આ બાબતને દર્શાવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પદાધિકારીઓની ચૂંટણીમાં ભાજપાએ વ્યાપક ભંગાણ પાડ્યુ છે પરંતુ એ માત્ર નેતાગીરી પુરતી જ સીમિત ગણી શકાય એમ રાજકીય પંડિતો મત વ્યક્ત કરી આ સમીકરણને મતદારો સાથે કોઈ નિસ્બત નહિ હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના કદાવર નેતાઓ ભાજપમાં ભળવા છતાં પણ ગત વિધાનસભામાં ભાજપને ગત ટર્મ એક સીટનું નુકશાન થયું જ છે. વાત સમગ્ર લોક્સભા સીટની કરવામાં આવેતો કોંગ્રેસ હમેશા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં હમેશા અગ્રેસર રહ્યો છે. હાલ બંને જીલ્લાની જીલ્લા પંચાયત પર કોંગ્રેસ સતા સંભાળી રહી છે. જે કોંગ્રેસ માટે આગામી લોકસભાને લઈને બોનસ રૂપ સાબિત થઇ શકે છે. બીજી તરફ ભાજપા લઘુમતીમાં હોવા છતાં મોટાભાગની તાલુકા પંચાયતોમા ભાંગફોડ કરી સતા હસ્તગત કરી છે.

 

હાલારની રાજનીતિમાં ભાજપા-કોંગ્રેસમાં ભાગલાવાદ

કોંગ્રેસ

વાત કોંગ્રેસની કરવામાં આવે તો જીલ્લા-તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો ક્યારેય એકમંચ પર એકત્ર થયા જ નથી એ વાસ્તવિકતા છે. જીલ્લા સંગઠન અલગ દિશામાં રાજનીતિ કરે અને તાલુકા-શહેર કક્ષાના હોદ્દેદારો અલગ દિશામાં ફંટાતા નજરે પડે છે. એ પછી ચૂંટણી હોય કે સભા, કે પછી સંગઠન કે સંસ્થાઓના હોદેદારોની પસંદગી હોય, કોંગ્રેસમાં જ બે-ત્રણ ભાગ જોવા મળે જ છે. ઓલ ઓવર બંને જીલ્લામાં તમામ સંગઠનમાં કોંગ્રેસ વેરવિખેર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ઘરમાં કાયમ લગ્ન પ્રસંગ જેવો માહોલ જોવા મળે છે કેમ કે દરેક કાર્યક્રમ કે ચૂંટણી જુંબેશ દરમિયાન પાંચ-પચ્ચીસ નેતાઓ હમેસા પક્ષથી રિસાયેલા જ હોય છે. ઉપરથી હકુભા અને રાઘવજી પટેલના ભાજપીકરણને લઈને કયાંકને કયાંક કોંગ્રેસને નુકશાની જરૂર પહોચી જ છે. કોંગ્રેસની આ સ્થિતિ નવી નથી, વર્ષોથી આ માહોલ જોવા મળી રહ્યો છે છતાં દરેક ચૂંટણી વખતે (ગત લોકસભાને બાદ કરતા ) ભાજપાને ટક્કર મારતું આવ્યું છે એ પણ વાસ્તવિકતા છે. 

ભાજપ

એક જ દિવસે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ અને એ જ દિવસે પૂનમ માડમને વિધાનસભાની ટીકીટ, વિધાનસભા વખતે હકુભા અને રાઘવજી પટેલની એન્ટ્રીના પગલે ઉલટી ગંગા મુજબ ભાજપાનું કોંગ્રેસી કારણ થઇ ગયું, પક્ષની શિસ્તબધ્ધતાને કારણે જ અસંતોષ સામે આવતો નથી પરંતુ અંદરખાને આ અસંતોષ પ્રબળ છે જ, તાજેતરમાં વિધાનસભાની ચૂટણીમાં રાઘવજી પટેલની હાર પાછળ ભાજપાના નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ જ કારણભૂત ગણાવાયો હતો. તો બીજી તરફ હકુભાની જીત પાછળ તેઓની વ્યક્તિગત નેતાગીરીને કારણભૂત માનવામાં આવી રહી છે. ઓલ ઓવર જીલ્લામાં વિધાનસભાની ટીકીટને લઈને ભાજપની તમામ બેઠકો પર આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. જેના કારણે જ ભાજપાએ જામનગર ગ્રામ્ય બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. કાલાવડ અને જામજોધપુર તેમજ ખંભાલીયા બેઠક ગુમાવવા પાછળ પણ ભાજપમાં ક્યાંકને કયાંક કાર્યકરોનો અસંતોષ જ કારણભૂત ગણાવાઈ રહ્યો છે. છેલે બાકી રહી જતું હતું એ મહાનગરપાલિકાના પદાધિકારીઓની પસંદગીમાં પૂર્ણ થયું હતું. મહાનગરપાલિકા પાલિકા પર વર્ષોથી વસુબેન ત્રિવેદીનું એકચક્રી સાસન રહ્યું હતું. પરંતુ હાલના પદાધિકારીઓની પસંદગીમાં વસુબેનના જુથનો સફાયો થઇ ગયો હોય તેમ તેની નજીકના એક પણ કોર્પોરેટરને સ્થાન ન મળ્યું, બીજી તરફ આ પસંદગીમાં કૃષિ મંત્રી ફળદુ જૂથમાં પણ તડા પડી ગયા છે જે તમામ કાર્યક્રમોમાં ઉડીને આંખે વળગે છે. વિધાનસભાની ચૂંટણી પછી રાઘવજીની હારનો ટોપલો જીલ્લા ભાજપા સંગઠન પર ઢોળવામાં આવતા આ અસંતોષ હજુ સુધી સમયો નથી એ સર્વ વિદિત છે. દ્વારકા જીલ્લા પંચાયતમાં ભાજપની પાતળી બહુમતી છતાં કોંગ્રેસમાં ભળેલ ભાજપના ઉમેદવાર પ્રમુખ બની ગયા છે. આ બાબત કોંગ્રેસ માટે સાનુકુળ સ્થિતિનું નિર્માણ કરનારી ગણાવી સકાય,

ભાજપની વ્યૂહરચના

વર્તમાન સાંસદ સામે પક્ષ અને જીલ્લામાં દેખીતો વિરોધ નથી જ, પરંતુ ગુપ્ત એજન્સીઓના વિધાનસભા ચૂંટણી પછીના રીપોર્ટ સાંસદ માટે માઠા પુરવાર થઇ સકે છે. વિકાસ કાર્યો અને જુદી જૂદી ચૂટણીઓના પરિણામ તથા વહીવટી તંત્રથી માંડી મતદાર સુધીના અવલોકન બાદ તૈયાર કરાયેલ આ રીપોર્ટ નેગેટીવ હોવાનું સુત્રો માંથી જાણવા મળ્યું છે. જીત પછીનો જુસ્સો જાળવવામાં સાંસદ ક્યાંકને ક્યાંક ઉણા ઉતર્યા હોય તેમ રાજકીય જાણકારો દર્સાવી રહ્યા છે. બીજી તરફ હાલ ભાજપામાંથી જ ઉભરી આવેલ રાજપૂત સમાજના આગેવાન અને ધારાસભ્ય હકુભા પણ લોકસભામાં પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. ધારાસભ્ય જાડેજા દ્વારા પણ લોકસભાની તૈયારીના ભાગ રૂપે જુદા જુદા કાર્યક્રમો પણ શરુ કરી દીધા હોવાની વાતો વહેતી થઇ છે. એટલે ભાજપાને લઈને આગામી લોકસભા માટે સીટીંગ એમપીની સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. હાલની જે સ્થિતિ છે તે જામનગર ઉત્તર બેઠક પર જોવા મળી હતી. જેમાં ચૂંટણી પૂર્વે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને હાલના શહેર પ્રમુખ વચ્ચે ટીકીટને લઈને અંતિમ સમય સુધીની હરીફાઈ જોવા મળી હતી. ભાજપા હાઈ કમાન્ડે આ સ્થિતિ સામે બંનેને દાવેદારોને કોરાણે મૂકી હાલના કૃષિ મંત્રી અને આ બેઠક સાથે સ્નાન સૂતકનો પણ સબંધ નહિ ધરાવતા આર સી ફળદુને ટીકીટ આપી સ્થાનિક અસંતોષ ડામી દીધો હતો અને ભાજપા આ બેઠક પર ઐતિહાસિક બહુમતથી વિજેતા બની હતી. ભાજપની સફળ પામેલ આ વ્યૂહરચનાને જાડેજા દંપતીની પીએમ સાથેની મુલાકાત સાથે સરખામણી કરી રાજકીય વિદ્વાનોએ નવો જ મત વ્યક્ત કર્યો છે, જે મુજબ જો રીવાબાને જામનગર લોકસભા લડાવવામાં આવે તો મહિલા તરીકે હાલના સાંસદ ખુલ્લો રોષ વ્યક્ત ન કરી શકે, રહી વાત હકુભાની, તો રીવાબા કરણી સેનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને રાજપૂત સમાજનું પણ, તેથી જ્ઞાતિના સમીકરણને આગળ ધરી પક્ષ હકુભાને પણ નકારી એક કાંકરે બે પક્ષી પાડે તો નવાઈ નહિ !!!!! ભાજપના ઈતિહાસ પર નજર કરીએ તો રીવાબા પર ભાજપા પસંદગી ઉતારે તો નવાઈ નહિ. આ સમીકરણ પાછળ ત્રીજું કારણ એ પણ છે કે કોંગ્રેસ વિક્રમ માડમના ઓપ્શન તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાના સંપર્કમાં છે. અજયના પિતા જામનગરના રાજકારણના ભીષ્મપિતામહ તરીકે ગણાતા હતા  અને પાક્કા કોંગ્રેસી પણ, જેથી કોંગ્રેસ જો અજયને મેદાને લઇ આવે તો તેની સામે રીવાબા  વધુ મજબુત પુરવાર થઇ શકે એમ પણ વિધવાનો મત દર્સાવી રહ્યા છે.

હજુ તો લોકસભાની ચૂંટણી આડે ઘણો સમય છે ત્યારે હાલની સ્થિતિ મુજબનું સમીકરણ અંત સુધી ટકે છે કે પછી ફેરફાર થાય છે એ તો સમય જ કહેશે.