મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: રાઈટર અને ડાયરેક્ટ વીંટા નંદા ધ્વારા રેપના લગાવાયેલા આરોપ પર ફિલ્મ-ટીવી ક્ષેત્રનાં મશહુર એકટર આલોક નાથે મૌન તોડ્યું છે. એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં આલોક નાથે પોતાના પર લાગેલા આરોપોનું ખંડન પણ કર્યું નથી કે નથી સ્વીકાર પણ કર્યો. જો કે, તેમણે કહ્યું કે, વીંટા નંદા પર રેપ થયો હશે, પરંતુ કોઈ બીજાએ કર્યો હશે.

વીંટા નંદાએ એક ફેસબુક પોસ્ટના માધ્યમથી આલોક નાથ પર રેપનો આરોપ મુકતા લખ્યું છે કે, એકવાર મને આ શખ્સના ઘરે એક પાર્ટીમાં બોલાવાઈ હતી. તેની પત્ની કે જે મારી ખાસ દોસ્ત છે તે શહેરની બહાર હતી. અમે બધા જ દોસ્તોનું મળવું સામાન્ય હતું. આથી એવું કઈ વિચાર્યું પણ નહોતું. પરંતુ જેવી સાંજ ઢળવા લાગી, મારા ડ્રીન્કસમાં કઈક ભેળવવામાં આવ્યું અને મને અજીબ અનુભવ થવા લાગ્યો હતો. રાત્રે ૨ વાગે હું તેમના ઘરેથી નીકળી હતી. કોઈએ મને છોડી દેવા માટે પણ કહ્યું નહિ. ત્યારે મને એવું લાગવા માંડ્યું કે, અહી વધારે સમય રોકાવવું યોગ્ય નથી. આથી મેં સુમસામ રોડ ઉપર ચાલતા જ જવાનું શરુ કર્યું. પણ મારૂ ઘર દુર હતું... અડધા રસ્તે જ તેમણે મને રસ્તામાં રોકી હતી.

તે પોતાની ગાડી ચલાવી રહ્યા હતા અને ગાડી રોકી તેમણે મને મારા ઘરે ડ્રોપ કરવા માટે કહ્યું... હું વિશ્વાસ કરી ગાડીમાં બેસી ગઈ. તે પછી મને આછું આછું યાદ છે. મને યાદ છે કે, વધુ શરાબ મારા મોઢામાં નાખવામાં આવ્યો અને ઘણી હિંસા કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે હું જયારે જાગી ત્યારે મને ઘણું જ દર્દ થતું હતું. મારા પર માત્ર રેપ જ કરવામાં આવ્યો નહોતો પરંતુ મને મારા ઘરે લઇ જઈને નરાધમ વ્યવહાર કરવામાં આવ્યો હતો. મેં કેટલાક દોસ્તોને આ અંગે કહ્યું, પરંતુ બધાએ મને આ ભૂલી જઈને આગળ વધવાની સલાહ આપી.

આ કેફિયત અંગે આલોક નાથે કહ્યું કે કુછ તો લોગ કહેગે..ના હું ઇનકાર કરું છું કે ના તો તેને માનવા તૈયાર છું. રેપ થયો હશે પરંતુ તે કોઈ બીજાએ કર્યો હશે. હું આ બાબતે વધારે વાત કરવા નથી ઈચ્છતો, કેમ કે હવે આ બાબત બહાર આવી જ ગઈ છે તો તેને ઘણી લાંબી ખેચવામાં આવશે. આલોક નાથે વધુમાં કહ્યું કે, લોકો માત્ર મહિલાઓનો જ પક્ષ સંભાળે છે. કારણ કે, સમાજ તેમને કમજોર સમજે છે. જયારે વીંટાના ફેસબુક પરના આ ખુલ્લા પોસ્ટથી સીને એન્ડ ટીવી આર્ટીસ્ટ ધ્વારા આલોક નાથને નોટીસ મોકલવાની તૈયારી કરી છે. જેમાં વીંટાએ તેમના વિરુદ્ધ લગાવેલા આરોપો સામે પોતાનો પક્ષ રાખવાનું કહેવામાં આવ્યું છે.