મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: હાલમાં આખા દેશમાં દેશની સર્વોચ્ચય ગણાતી સંસ્થા સીબીઆઈની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ ભ્રષ્ટ હતી તેવા આરોપોને કારણે પ્રજાએ કોંગ્રેસને હટાવી નરેન્દ્ર મોદીને દેશનું શાસન સોંપ્યુ હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા બાદ પોતાની સાથે દિલ્હીમાં ગુજરાતની ટીમ પણ લઈ ગયા. જેમાં ગુજરાતના ઘણા આઈએએસ અને આઈપીએસ અધિકારીને પણ લઈ ગયા હતા. ગુજરાત કેડરના આઈપીએસ અને અમિત શાહની ગુડબુકમાં રહેલા રાકેશ અસ્થાના અને એ. કે. શર્માને પણ સીબીઆઈમાં પ્રતિનિયુક્તિ ઉપર લઈ જવામાં આવ્યા હતા. જો કે અસ્થાના અને એ.કે. શર્માને સીબીઆઈમાં લઈ જવા પાછળનો ઉદ્દેશ્ય ભાજપના વિરોધીઓને પરાસ્ત કરવાનો હતો. પરંતુ હવે અસ્થાના અને શર્મા સામ-સામે આવી ગયા છે.

2002માં ગોધરાકાંડ વખતે રાકેશ અસ્થાનાને તપાસની જવાબદારી સોપવામાં આવી હતી. તેમણે ભાજપની સરકારની સુચના અને ઈચ્છા પ્રમાણે તપાસ કરી તેમને રાજી કરી દીધા. ત્યાર બાદ રાકેશ અસ્થાના ઈચ્છતા હતા ત્યાં તેમને પોસ્ટીંગ મળતા ગયા હતા. જ્યારે એ. કે. શર્મા કાયમ ભાજપ સરકારના ટ્રબલશુટર રહ્યા છે. ગુજરાતના એન્કાઉન્ટર સહિતની તમામ ઘટનાઓમાં એ. કે. શર્મા ડેમેજ કંટ્રોલરની ભુમિકા અદા કરી હતી, તેઓ પણ અમિત શાહની ખાસ્સા નજીકના અધિકારી ગણાય છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી અસ્થાના અને શર્માને દિલ્હી સીબીઆઈમાં લઈ જવામાં આવ્યા હતા.

જો કે રાકેશ અસ્થાનાએ પોતાની મધર કેડરના સાથી એ કે શર્માના પરિવારનો ભ્રષ્ટાચારીઓ સાથે સંબંધ હોવાનો આરોપ પણ મુક્યો છે. જ્યારે સીબીઆઈના વડા આલોક વર્મા સાથેની લડાઈને કારણે રાકેશ અસ્થાના જ ત્રણ કરોડની લાંચ લેવાના આરોપસર આરોપી બની ગયા છે. હાલમાં તો દિલ્હી હાઈકોર્ટે તા 29મી સુધી રાકેશ અસ્થાની ધરપકડ ઉપર રોક લગાવી છે. આ મુદ્દે આગળ શુ થશે તે કહેવુ હાલમાં મુશ્કેલ છે. પરંતુ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા ગુજરાત કેડરના બે સિનિયર આઈપીએસ અધિકારી અસ્થાના અને શર્મા સામે ભ્રષ્ટાચાર અંગે આંગળી ઉઠતા સૌથી કફોડી સ્થિતિ નરેન્દ્ર મોદીની થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીને નજીકથી ઓળખનારા માને છે કે આવા સંજોગોમાં નરેન્દ્ર મોદી ક્યારેય અસ્થાના અને શર્માને મદદ કરશે નહીં.

બહુ જલદી આ બંન્ને અધિકારીઓને ગુજરાત પરત મોકલી દેવામાં આવે તો નવાઈ નહીં,કારણ જેમની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવે છે તેવા નેતા અને અધિકારીનો હાથ નરેન્દ્ર મોદી પકડતા નથી.