મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: રાજ્યસભામાં સામાન્ય સહમતિ ન બનતા ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ત્રિપલ તલાકનું બિલ પસાર થઇ શક્યુ ન હતું. આજે શુક્રવારે રાજ્યસભાના ચેરમને વેંકૈયા નાયડુએ કહ્યું કે ત્રિપલ તલાક બિલ પર સદનમાં એકતા નથી તેથી આજે તેને રજૂ કરાશે નહીં. એક દિવસ પહેલા જ કેન્દ્રિય કેબિનેટએ બિલમાં સંશોધનોને મંજૂરી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે હવે શિયાળુ સત્રમાં ત્રિપલ તલાકનું બિલ રજૂ કરવામાં આવશે. જો કે સરકારે આ મામલે અધ્યાદેશ લાવવાનો પણ વિકલ્પ છે. જાણકારોનું કહેવુ છે કે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ કરવાના પ્રયાસથી ભાજપને હવે કોંગ્રેસને ઘેરવાનો મોકો મળ્યો છે.

ચોમાસુ સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસના સભ્યોના હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી. બપોરે અઢી વાગ્યે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરુ થઇ ત્યારે સભાપતિએ સ્પષ્ટ કરી દીધુ હતું કે ત્રિપલ તલાકનું બિલ સદનમાં આજે રજૂ કરવામાં નહીં આવે. તેથી હવે ભાજપ સરકારની ત્રિપલ તલાકનું બિલ ચોમાસુ સત્રમાં પસાર કરવાની ઇચ્છા પર પાણી ફરી વળ્યું છે.