મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના જામનગર રોડ પરના ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહ્યો હતો. આ મેચના બીજા દિવસે આજ રોજ કેપ્ટન વિરાટ કોહલી તેમજ રાજકોટના રવિન્દ્ર જાડેજાએ સેન્ચ્યુરી ફટકારી હતી. બંનેની સદી થતા દર્શકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.  પોતાની સેન્ચ્યુરી પૂર્ણ કર્યા બાદ જાડેજાએ તલવારની માફક બેટ ફેરવ્યું હતું અને પોતાની આ સેન્ચ્યુરી સ્વર્ગસ્થ માતાને અર્પણ કરી હતી.

રવિન્દ્ર જાડેજાએ 132  બોલમાં અણનમ 100 રન ફટકાર્યા હતા. જેમાં 5 સિક્સર અને 5  બાઉન્ડ્રી ફટકારી હતી અને સદી ફટકાર્યા બાદ રાજપૂતાના સ્ટાઇલમાં તલવારની જેમ બેટ ફેરવી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9 વર્ષ બાદ આજે પોતાના હોમ ગ્રાઉન્ડમાં જાડેજાએ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ગળગળા અવાજે તેણે જણાવ્યું હતું કે, હું દેશ માટે ક્રિકેટ રમુ તેવી મારા માતાની ખૂબ ઈચ્છા હતી. જેને લઈને આ સેન્ચ્યુરી હું મારા સ્વર્ગસ્થ માતાને અર્પણ કરૂ છું.