મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા પછી પ્રચાર-પ્રસાર જોરશોરથી આગળ વધી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહએ ગુજરાતના સરહદી જીલ્લા કચ્છમાં કાશ્મીરની સમસ્યા, ખાસ કરીને કલમ 370 અને 35એ અંગે નિવેદન આપ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ રાફેલના મુદ્દાથી માંડીને નીરવ મોદી તથા અન્ય આર્થિક કૌભાંડોમાં કૉંગ્રેસના સમયગાળા દરમિયાન થયા હોવાનું કહીને 2030 સુધી ફરીવાર મોદીને જ પીએમ તરીકે રાખવા માટે લોકોને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી હતી.

નિયત સમય કરતા બે કલાક મોડા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી એવા ભાજપનાં વરિષ્ઠ નેતા રાજનાથસિંહએ કચ્છનાં ગાંધીધામમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કાશ્મીરની સમસ્યા માટે તેમણે નહેરુને જવાબદાર ઠેરવી સરદાર વલ્લભભાઈ પટેલની કાશ્મીર અંગેની નીતિઓને વખાણી હતી. સરદાર પટેલને જો કાશ્મીરની સ્થિતી અંગે નિર્ણય કરવાની જવાબદારી આપવામાં આવી હોત તો હાલ કાશ્મીરમાં જે સમસ્યા છે તે ના હોત તેવો પણ દાવો સિંહે કર્યો હતો. કેન્દ્રમાં સંપુર્ણ બહુમતવાળી સરકારના પાંચ વર્ષ પસાર કર્યા પછી તથા કાશ્મીરમાં PDPના મેહબૂબા મુફ્તી સાથે સરકાર ચલવાવા માટે ગઠબંધન કર્યા પછી ટેકો પાછો ખેંચનાર ભાજપે તેના સંકલ્પ પત્રમાં પણ કાશ્મીર અંગેની કલમ 370 અને 35એનો ઉલ્લેખ કર્યો છે ત્યારે કચ્છમાં રાજનાથ સિંહે તેમની સરકાર ફરી સત્તામાં આવશે ત્યારે કાશ્મીર સંબંધિત તે જોગવાઇઓ હટાવી નાખશે તેવો દાવો કર્યો હતો. 

રાજનાથસિંહ પાસે કેન્દ્રનાં ગૃહમંત્રાલયનો હવાલો છે ત્યારે દેશની આંતરિક સુરક્ષા તેમજ કચ્છની બોર્ડર અંગેની વાતચીત કરવાને બદલે મોદી સરકારનાં કથિત વિકાસનાં આંકડા આપ્યા હતા. અલબત્ત તેમાં પણ સિંહે કોંગ્રેસ શાસન દરમિયાન થોડું કામ થયું હોવાનો એકરાર પણ કર્યો હતો. સરકારના પાંચ વર્ષનાં કામને બદલે રાષ્ટ્ર નિર્માણ કરવા માટે ભાજપને ફરી સત્તા ઉપર લાવવાની પણ તેમણે અપીલ કરી હતી. 

એક તરફ ગુજરાતમાં ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાણીવિલાસ કરીને વિવાદ સર્જી રહ્યાં છે ત્યારે કચ્છમાં રાજનાથસિંહે સયંમપૂર્વક નિવેદનો કરવાની કોંગ્રેસને સૂફીયાણી સલાહ આપતા પીએમ મોદીને 'ચોકીદાર હી ચોર હૈ'ના નારાની ટીકા કરી હતી. રાજનાથના ભાષણ દરમિયાન 'ચોકીદાર સ્યોર હૈ'ના નારામાં સ્યોર ને બદલે ચોર બોલાયું હોય તેવી ફીલિંગને  કારણે એક તબક્કે સભામાં સન્નાટો થયી ગયો હતો. રાફેલના મામલે તેમણે રાહુલ ફેલ છે તેવું નિવેદન પણ આપ્યું હતું.