મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના એક તબીબ કિડનીની બિમારીનો ભોગ બન્યા હતા. પોતાની બંને કિડની નકામી થઇ જતાં ડાયાલિસીસ પર હતા અને બે સંતાનોના પિતા એવા આ તબીબ હિંમત હારી ગયા હતા. એક સમયે જે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી તેના ત્રીજા માળેથી ઝંપલાવી જીવનનો અંત આણવાનો નિર્ણય કરી ચુક્યા હતા. આવા કપરા સમયમાં તેમની પત્નીએ પોતાની એક કિડનીનું દાન આપી પતિની લાઇફ લાઇન વધારી દીધી હતી.

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરતા તબીબ રફિક અઝીઝભાઇ લીંગડિયાને ત્રણ વર્ષ અગાઉ કિડનીની ગંભીર બિમારી લાગુ પડી હતી. જેમાં આગળ જતાં બંને કિડનીઓ નકામી થતા તેમણે ડાયાલિસીસના સહારે દિવસો વિતાવવાનું શરૂ કર્યું હતું. આટલું ઓછું હોય એમ હૃદયની નળી અને કિડની પર સોજો આવી જતાં રફિકભાઇને હાર્ટ એટેક આવતા તેઓ કોમામાં સરી પડ્યા હતા. જો કે અમદાવાદ ખાતે કિડની હોસ્પિટલની સારવાર કારગર નિવડતા તેમનો જીવ બચ્યો હતો.

પરંતુ ડિપ્રેશન અને ખર્ચાની ચિંતાથી ઘેરાઇ એક તબક્કે તેઓ હોસ્પિટલના ત્રીજા માળેથી આપઘાત કરી જીવનનો અંત આણી દેવાનો ઘાતકી નિર્ણય કરી ચુક્યા હતા. પત્ની નિલોફરને આ માટે વાત કરી હતી. પતિની માનસિક હાલત જાણ્યા બાદ નિલોફરે કોઇપણ ભોગે તેમને સારી રીતે જીવાડવાનો નિર્ણય કર્યો હતો. અને ડાયાલિસીસથી છુટકારો અપાવવા માટે પોતાની એક કિડની આપીને તેણે પોતાના આ નિર્ણયનો અમલ પણ કર્યો છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત સામે આવતા માત્ર નિલોફર જ નહીં તેની માતાએ પણ પોતાની કિડની જમાઇને આપવા તૈયારી બતાવી હતી. પણ તેમની કિડની રફિકભાઇને ચાલે તેમ ન હોવાથી ગત તારીખ 26 સપ્ટેમ્બરે પત્નીએ પોતાની એક કિડની પતિને આપી નવજીવન આપ્યું છે. સાથે જ પોતાના બંને વહાલસોયા સંતાનો મશીરા અને અહેમદને તેના પપ્પા પરત આપ્યા છે.

નિલોફરે જણાવ્યા મુજબ, અમે કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે ઘણું સાંભળ્યું અને વાંચ્યું હતું. હું મારી કિડની આપી દેવા તૈયાર જ હતી  અને જો કદાચ મારી કિડની ન ચાલે તો હું એવા દાતાને મારી એક કિડની આપવા તૈયાર હતી કે જેની કિડનીનું મારા પતિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. જો કે કુદરતે અમારી સાથે ન્યાય કર્યો અને મારી જ કિડની તેમને અનુકૂળ આવી ગઇ હતી.