મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રૂપાણી સરકાર દ્વારા દારૂબંધીની મોટી-મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ સરકારના આ તમામ દાવાઓ રાજકોટમાં ‘ગુજરાત પ્રદેશ ભાજપ સભ્ય’ લખેલી કાર (GJ 03 JL 1234) માં દારૂના નશામાં ધૂત બે શખ્સોએ દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા હતા. શહેરના લીમડા ચોક ખાતે નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરી આ બંને શખ્સોએ ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી હતી. કોઈ જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા સરકારની દારૂબંધીની વાતો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શહેરના લીમડા ચોકમાં ‘ગુજરાત પ્રદેશ ભાજપ સભ્ય’ લખેલી કારમા બે લોકો ચિક્કાર દારૂનો નશો કરેલી હાલતમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં એ બંને નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરીને ટ્રાફિક પોલીસ સાથે પણ બોલાચાલી કરી હતી. GJ-03-JL-1234 નંબરની કારનો ચાલક અને તેની સાથે બેઠેલો અન્ય એક શખ્સ નશામાં ધૂત હોવાનું બંનેની વાતો પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. તેમજ નશાની હાલતમાં વાહન ચલાવવું એ તેનાથી પણ મોટો અપરાધ ગણાય છે. પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપ લખેલી કારમાં સવાર આ બંને શખ્સોને જાણે કાયદાનો કોઈ ભય જ ન હોય તેમ આ બંને પોલીસ સાથે પણ જીભાજોડી કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીના હોમ ટાઉનમાં દારૂબંધીના કાયદાનો અમલ કેવી રીતે થાય છે તેની પોલ ખોલી નાખી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

આ કારના માલિકનું નામ યશપાલભાઈ સામંતભાઈ પાટગીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે ભાજપના લોકો તો આ વીડિયોથી અજાણ હોવાનું રટણ કરે છે. ત્યારે આ બંને શખ્સો ખરેખર ભાજપના સભ્યો છે કે નહીં તે પોલીસ તપાસનો વિષય છે. પરંતુ આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી અને ભાજપ સરકાર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.