મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ: રાજ્યમાં નાની બાળકી સાથે દુષ્કર્મની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના રૈયા ચોકડી નજીક રહેતા શખ્સે 9 વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવતા ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે. છેલ્લા પંદરેક દિવસમાં આ હવસખોરે બાળકીને પોતાના ઘરમાં પુરી મોબાઇલમાં નગ્ન વીડિયો બતાવી ત્રણેક વખત દૂષ્કર્મ ગુજારી તેમજ એક વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે બળાત્કાર,પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મહિલા પોલીસને તપાસ સોંપી હતી.

બાળકીની માતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોતાના બીજા લગ્ન છે અને પતિનું અવસાન થયું હોઇ પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવું છું. મારી દીકરી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેની ઉંમર 9 વર્ષ છે. દીકરી ગતસાંજે ગુમસુમ જોવા મળતાં તેની સાથે કંઇક અજુગતુ થયાની શંકા ઉપજી હતી. જેને લઈને સમજાવટથી પૂછપરછ કરતા તેણીએ રડતાં-રડતાં પોતે મુરલીકાકાના ઘરે  ટીવી જોવા ગઇ હતી., ત્યારે તેણે રૂમમાં લઇ જઇ મોબાઇલ ફોનમાં ખરાબ વીડિયો બતાવી બળજબરી કરી હોવાનું જણાવ્યું હતું.

પોતે પ્રતિકાર કરતાં મોઢા પર હાથ મૂકી ગાલ પર ચુમીઓ ભરવા માંડી હતી. વધુ પૂછપરછ કરતા પંદરેક દિવસમાં ત્રણેક વખત પોતાની સાથે જબરદસ્તી કરી હોવાનું અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચર્યાનું કહ્યું હતું. પંદર દિવસમાં ત્રણેક વખત દુષ્કર્મ કરનાર આરોપીએ બાળકીને ધમકી આપી હતી કે, જો કોઇને વાત કરીશ તો તારી સાથે વધુ વખત આવું કરીશ. આથી ગભરાયેલી બાળાએ માતાને વાત કરી ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.

યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી હવસખોર કમલેશ ઉર્ફ મુરલી સામે ગુનો નોંધી તપાસ મહિલા પોલીસને સોંપતા વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપી કમલેશ ભરવાડ હાથવેંતમાં હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. ભોગ બનનાર બાળકી જેને કાકા કહીને બોલાવતી હતી. તેણે અચરેલા આ અધમ્ય કૃત્યથી ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે.