મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સામાન્ય રીતે લોકોમાં દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિની લાગણી જોવા મળતી હોય છે, પરંતુ રાજકોટના બે દિવ્યાંગ વૃધ્ધોએ કરેલી હરકત જાણીને તેના પર ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે. બંનેએ  શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતા પરિવારની 12 વર્ષની માસુમ સગીરાને લલચાવી-ફોસલાવી દુષ્કર્મ આચરતા હોવાનું ખુલ્યું હતું. તેઓએ કરેલા આ પાપકર્મને લઈને કુમળી વયે આ સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતી એક 12 વર્ષીય સગીરાને ગુપ્તાંગમાં દુઃખાવો તેમજ પેટ અસાધારણ રીતે વધ્યું હોઇ માતા-પિતા તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે સગીરાના પેટમાં 6 મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સમજાવટથી સગીરાની પૂછપરછ કરતા તેણે આંખે જોઈ નહીં શકતા 52 વર્ષીય અરવિંદ કુબાવત અને કાનથી સાંભળી નહીં શકતા 65 વર્ષીય નાનજી જાવીયાનું નામ આપતા માતા-પિતા અવાચક બની ગયા હતા.

બંનેએ પુત્રી સમાન સગીરા પર અચરેલા અપરાધ અંગે માતા-પિતાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ દ્વારા આ કેસ મહિલા પોલીસને સોંપવામાં આવ્યો હતો. મહિલા પોલીસે ગણતરીની કલાકોમાં બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે લોકો દ્વારા ચોતરફથી આ નરાધમ દિવ્યાંગ વૃધ્ધો પર ફિટકારની લાગણી વરસાવવામાં આવી રહી છે. તેમજ બંનેને આકરી સજા કરવામાં આવે તેવી માંગ પણ લોકોમાં ઉઠી રહી છે.