મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના કર્મચારીઓ ભારે મુશ્કેલીઓ વચ્ચે ફરજ બજાવતા હોય છે. હાલમાં જ એક લાંચ લેતા ટ્રાફિક બ્રિગેડના જવાનનો વિડીયો વાઇરલ થતા તેને સસ્પેન્ડ કર્યાની ઘટના સામે આવી હતી. ત્યારે હાલ એક જવાનની ઉડીને આંખે વળગે તેવી પ્રામાણિકતા સામે આવી છે. જેમાં માલવીયા ચોકમાં ફરજ બજાવતા જવાને પોતાને મળેલું 15 હજારની રોકડ ભરેલું પર્સ તેના મૂળ માલિકને શોધી પરત કરવામાં આવ્યું હતું.

માલવિયા ચોક ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલ નિરવ વિઠ્ઠલભાઇ વઘાસિયા, કોન્સ્ટેબલ પૂજા પટેલ, ટ્રાફિક વોર્ડન અજય ચાવડા, સતિષ ચાવડા ફરજ બજાવે છે. નિરવ વઘાસિયાએ કહ્યું કે ગઇકાલે શુક્રવારે સવારે 10 વાગ્યા આસપાસ એક બાઈક સડસડાટ નિકળ્યું અને તેના પરથી કાંઇક પડ્યું હોય તેવું જણાતા ચોકમાંથી એક પર્સ મળ્યું હતું. જેમાં રૂા.15000 રોકડા, ત્રણ એટીએમ કાર્ડ, એક ક્રેડીટ કાર્ડ, પાનકાર્ડ- ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે દસ્તાવેજો હતા.

તપાસ કરતા આ પાકિટ પડધરીમાં રહી અને રાજકોટમાં સેલ્સમેન તરીકેની નોકરી કરતા પ્રેમજીભાઇ ગોહિલનું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તરત તેમનો સંપર્ક કરી પાકિટ પરત લઇ જવા જણાવાયું હતું. પ્રેમજીભાઇ હાંફળા-ફાંફળા માલવીયા ચોક પહોંચ્યા હતા અને તમામ દસ્તાવેજો તથા રોકડ રકમ પરત મળવાથી ગદગદિત થઇ ગયા હતા. તેમજ ચારેય ટ્રાફિક જવાનોનો ભીની આંખે આભાર માન્યો હતો.