કુલીન પારેખ (મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ): શહેરમાં પ્રાચીન ગરબીઓની સાથે જ અર્વાચીન રાસોત્સવનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરના નાના મૌવા રોડ પર આવેલ સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી ખાતે છેલ્લા દસેક વર્ષથી માત્ર સોસાયટીના રહીશો માટે પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના સમન્વય સમા રાસોત્સવનું અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બહેનો, દીકરીઓ, માતાઓ અને નાના બાળકો એકસાથે નવરાત્રીની ઉજવણી કરતા હોય છે. ચાલુ વર્ષે આ રાસોત્સવમાં માત્ર 4 વર્ષની બાળકી આરાધ્યાના અદભૂત રીંગ ડાન્સે અનેરૂ આકર્ષણ જમાવ્યું છે.

નાનકડી આરાધ્યાના આ રીંગ ડાન્સને નિહાળવા સોસાયટી ઉપરાંત આસપાસના રહીશો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અને માત્ર 4 વર્ષીય આરાધ્યાનો રિંગ ડાન્સ જોઈને ચોંકી ઉઠે છે. નવાઈની વાત તો એ છે કે, આ બાળકી પોતાની જાતે જ આ ડાન્સ શીખી છે અને સળંગ 20 મિનિટ કરતા વધુ સમય તેણી એકથી ત્રણ રિંગ સાથે સરળતાથી ડાન્સ કરી શકે છે. પિતા અમિતભાઇ ટાંક અને માતા શીતલબેન આરાધ્યાના આ ટેલેન્ટને લઈ ખૂબ જ ખુશ છે. અને આગળ જતા આરાધ્યા રિંગ ડાન્સમાં સફળતાના નવા શિખરો સર કરે તેવું ઇચ્છી રહ્યા છે.

આરાધ્યાના પિતા અમિતભાઈએ મેરાન્યૂઝ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, છ મહિના અગાઉ તેણીને રમવા માટે રિંગ લઈ આપી હતી. તેનાથી શુ કરાય તેવું પૂછતાં મે તેને યુ-ટ્યુબમાં કેટલાક વિડીયો બતાવ્યા હતા. બસ ત્યારથી તેણે દરરોજ પોતાના રમવાના સમયમાં રિંગ દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દીધી. દરમિયાન હું અને તેના માતા જે સૂચન કરીએ તેનું અક્ષરસહ પાલન કરતા જોત જોતામાં તો તે રિંગ ડાન્સમાં ચેમ્પિયન બની ગઈ તેમજ સોસાયટીનું આ ગ્રાઉન્ડમાં તેણીને પોતાની કલા જાહેરમાં પ્રસ્તુત કરવાનું માધ્યમ બન્યું હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.

આ રાસોત્સવમાં પ્રથમ નાની બાળાઓ અને ભુલકાઓને ગરબે રમાડવામાં આવે છે. બાદમાં સૌ સોસાયટીના રહીશો પણ અર્વાચીન રાસોત્સવની મોજ માણતા હોય છે., અને પારિવારિક માહોલ વચ્ચે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત સોસાયટીના સભ્યો દ્વારા સમાજને દિશારૂપ વ્યસન મુક્તિ , બેટી બચાવો બેટી પઢાવો સહિતના સૂત્રોને સાર્થક કરવા માટેના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તેમજ સોસાયટીના નામને સાર્થક કરતી સોના-ચાંદીની ભેંટ પણ આપવામાં આવે છે.