મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના ગોંડલ રોડ પરની બોમ્બે હોટલ પાસે આંખમાં મરચું છાંટીને હ્યુન્ડાઇ શો રૂમના કર્મચારી પાસેથી રૂપિયા 6.24 લાખની દિલધડક લૂંટ ચલાવવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી આ મામલે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ લૂંટ આચરનારા બે આરોપીનીને રૂપિયા 3.18 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. બન્નેને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા હોવાનું અને આ પૈકી એક કિશોર વયનો હોવાનું પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આરોપીઓએ કર્મચારીની થોડા દિવસ રેકી કરી હતી ત્યાર બાદ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે હ્યુન્ડાઇ શોરૂમના કર્મચારીની આંખમાં મરચુ છાંટી 6.24 લાખની લૂંટ ચલાવાઇ હતી. આ લૂંટ ચલાવનાર હરેશ પરસોતમભાઇ મકવાણા અને એક કિશોર વયના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ધરપકડ કરી છે. તેમજ બન્ને આરોપીઓ પાસેથી રૂ. 2,50,000 રોકડા, બે મોબાઇલ કિંમત રૂ. 8000, હોન્ડા એક્ટિવા કિંમત રૂ. 30000 અને હોન્ડા ડ્રીમ યુગા કિંમત રૂ. 30000 સહિત કુલ રૂપિયા 3.18 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.