મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: તારીખ 19ના રોજ 16 વર્ષ, 8 માસની એક સગીરા પર તેના મકાન માલિકના પુત્ર અને તેના પિતરાઈ ભાઈએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એક આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જ્યારે બીજો આરોપી સગીર વયનો હોવાથી તેને બાળ અદાલતમાં મોકલાયો છે. દરમિયાન સગીરાએ આજે નોર્મલ ડિલિવરીથી પુત્રીને જન્મ આપ્યો છે. જેને લઈને આરોપીઓ પર ફિટકારની લાગણી વરસી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની એક સગીરા તેના માતા-પિતા અને દાદી સાથે રહે છે. જેમાં પિતા અગરબત્તી બનાવી ઘરનું ગુજરાન ચલાવે છે અને માતાની માનસિક સ્થિતિ સારી ન હોય દાદી પણ પારકા કામ કરી પિતાને આર્થિક રીતે મદદરૂપ થાય છે. આ પરિવાર એક મકાનમાં ભાડે રહેતો હતો. જેને લઈને મકાન માલિકનો પુત્ર નિલેશ રણજીતભાઈ વિરસોરીયા વારંવાર ઘરે આવતો જતો હતો અને સગીરાને ફ્રેન્ડશીપ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં સગીરાએ ફ્રેન્ડશીપ કરવાની ના પાડતા તેણે પોતાના શરીર પર બ્લેડથી ચેકા પાડી દેવાની વાત કરતાં તેણી માની ગઈ હતી. બાદમાં નિલેશ અવારનવાર મળવા માટે બહાર બોલાવતો હતો અને સાથે જવાની ના પાડતા તે મરી જવાની ધમકી આપતો હતો. આઠ માસ પહેલા ઘર પાસેની અવાવરૂ જગ્યાએ બોલાવી નિલેશે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અનેક વખત ધમકી આપીને દુષ્કર્મ કર્યું હતું. નિલેષ સાથે તેના ફિઇનો દિકરો ધ્રુવ ઉર્ફે ધૂલિયો બીપીનભાઈ પરમાર પણ આવતો હતો. પાંચ મહિના પહેલા ધ્રુવે ઘર પાસેના એક પડતર મકાનમાં બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન ગર્ભ રહી ગયો હોવાનું જણાતા સગીરાએ તેના પરિવારને વાત કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.