મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરમાં ચાલતી મનપાની ટીપરવાન દ્વારા અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રૈયાધાર વિસ્તારમાં લાયસન્સ વિનાના ટીપરવાનના ડ્રાઈવરે હડફેટે લેતા એક સફાઈકર્મીનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ બનાવને લઇને વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને સિવિલ હોસ્પિટલે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સફાઇ કર્મચારી દીવાલ પાસે ઊભો છે. ત્યારે ટીપરવાનનો ચાલક રિવર્સ ગાડી લે છે. આથી સફાઇ કર્મચારી દીવાલ સાથે જ દબાઇ જાય છે. બાદમાં ટીપરવાન આગળ લેતા સફાઇ કર્મચારી ત્યાં જ ઢળી પડે છે. સિવિલ હોસ્પિટલે એકઠા થયેલા લોકોમાં લાયસન્સ ન હોવા છતાં મનપા દ્વારા ડ્રાઈવરને નોકરી પર રખાયો હોઈ મનપાની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો કારાઇ રહ્યા છે. હાલ પોલીસે ટીપરવાનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.