મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કાલાવડ રોડના BAPS સ્વામિનારાયણ મંદિરને 20 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ખાસ પાટોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત દેશની 200 નદીઓ અને સરોવરના પાણી ભરેલા કળશોનું પૂજન કરી ઠાકોરજીની પાટોત્સવ વિધિ કરવામાં આવી હતી. સાથે જ નીલકંઠવર્ણી મહારાજની પુન: પ્રતિષ્ઠા અને અભિષેક મંડપના નવિનીકરણની વિધિ મહંતસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવી હતી. 

વર્ષ 1998માં પ્રમુખસ્વામી મહારાજના હસ્તે સ્થાપિત અને શહેરની આગવી ઓળખ સમાન સ્વામીનારાયણ મંદિરને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાત:કાળે મંદિર પાટોત્સવ વિધિ ઉપરાંત પંચામૃત જળથી ઉત્તમોત્તમ મહાઅભિષેક વિધિ મહંતસ્વામી મહારાજ અને સંતોના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઠાકોરજીને ખાસ આભૂષણો અને અલંકાર યુકત વાઘા પહેરાવી અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો.