મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: સામાન્ય રીતે ધાર્મિક કાર્યમાં ઉપયોગ થયેલી વસ્તુ કે પૂજાની સામગ્રીનો ઉપયોગ કર્યા પછી તેને પાણીમાં પધરાવી દેવામાં આવતી હોવાની આપણી પરંપરા છે. પરંતુ આવી વસ્તુઓને પધરાવવાના બદલે તેના પર કલાત્મક કામગીરી કરવાની અનોખી પહેલ એન્જીનીયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ. નવરાત્રી બાદ વિસર્જન કરાયેલા ગરબાઓને આ વિદ્યાર્થીઓએ કલાની મદદથી નવો જ આકાર આપી ચકલીના માળા બનાવવાનું શરૂ કર્યું છે. જેનો વર્લ્ડ રેકોર્ડ થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

શહેરની લાભુભાઈ ત્રીવેદી એન્જીનીયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દશેરાનો તહેવાર પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓએ શહેરભરમાં વિવિધ જગ્યાએ વિસર્જન કરેલા 30 હજાર ગરબાઓ એકત્ર કર્યા છે. તેમાં મશીનોની મદદથી હોલ પાડી વિવિધ પ્રક્રિયા કરી ચકલીના માળાનું સ્વરૂપ આપવાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અંતર્ગત જ આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીઓએ પ્રેક્ટીકલ જ્ઞાન પણ મેળવ્યું હતું.

કોલેજના 400 જેટલા વિધાર્થીઓએ માત્ર 18 કલાકમાં 10 હજાર ચકલીના માળાઓ બનાવી લીધા છે અને બાકીના 20 હજાર માળાઓ બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગરબામાંથી માળા બનાવવાની આ કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે પણ સહયોગ આપ્યો છે. વિનામૂલ્યે લોકોને માળાઓ વિતરણ કરવામાં આવશે. વિધાર્થીઓના આ પ્રેરણાદાયી કાર્યને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન આપવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.