મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: સામાન્ય રીતે સમાજમાં પુત્રના હાથે માતા-પિતાના અંતિમસંસ્કાર કરવાની પરંપરા છે. પરંતુ એક માતાને પુત્ર ન હોવાથી તેમની સાત દીકરીઓએ પુત્રની ખોટ પુરી પાડી હતી અને પુત્રની જેમ જ માતાની અર્થીને કાંધ આપી હતી. એટલું જ નહીં શાસ્ત્રોક્તવિધિ અનુસાર માતાને અગ્નિદાહ પણ આપ્યો હતો. આ તકે ઉપસ્થિત લોકોની આંખો ભીની થઇ જતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટ શહેરના શક્તિપાર્ક વિસ્તારમાં રહેતા 82 વર્ષીય મધુબેન પરમારનું ગઈકાલે અવસાન થયું હતું. મૃતક મધુબેનને સંતાનમાં કોઈ પુત્ર તો નથી. પરંતુ સાત દીકરીઓ છે. જો કે આ કપરા સમયમાં સાતેય દીકરીઓ હિંમતભેર પુત્ર સમોવડી બની હતી અને સાતેય બહેનોએ પોતાની મૃતક માતાની અર્થીને કાંધ આપી હતી. તેમજ સ્મશાનમાં જઈ પુત્રની જેમ તમામ વિધિ અનુસાર માતાને અગ્નિદાહ આપી અંતિમસંસ્કાર કર્યા હતા.