મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલ માસ્તર સોસાયટીમાં એકલવાયું જીવન જીવતા નિવૃત શિક્ષિકાની હત્યા થઇ હોવાનું ફોરેન્સિક પીએમમાં સામે આવ્યું હતું. ફોરેન્સિક પીએમ રીપોર્ટમાં હત્યા થયા હોવાનું સામે આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી હતી. જે દરમિયાન હત્યા પાછળનું કારણ શિક્ષિકાનું કિંમતી મકાન હોવાનું ખુલવા પામ્યું હતું. તો બીજી તરફ નિવૃત શિક્ષિકાનાં કબજાનું આ મકાન કોઈ શખ્સને વેંચી દેવાયાનું ખુલતા પોલીસે એ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ કરી હતી.

જેમાં બોગસ દસ્તાવેજ બનાવીને કોળી શખ્સને કિંમતી મકાન વેંચી દેવામાં આવ્યું હોવાનાં પુરાવાઓ પોલીસને મળ્યા હતા અને તેના જ આધારે પોલીસે એક મહિલા સહિત ૧૦ શખ્સો સામે ગુનો દાખલ કરી આજરોજ ૭ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી ડુપ્લીકેટ દસ્તાવેજ કબજે કરી ફરાર અન્ય ૩ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

હાલ પોલીસે ડુપ્લીકેટ ચુંટણી કાર્ડના આધારે ડુપ્લીકેટ દસ્તાવેજ કરી કરોડોની કિંમતનું મકાન વેચી દેવાના ગુનામાં ૭ આરોપીની ધરપકડ કરી ફરાર એક મહિલા સહિત ૩ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ એ છે કે કિંમતી મકાન પચાવવા પાછળ નિવૃત શિક્ષિકાની હત્યા કોના દ્વારા નીપજાવવામાં આવી.?  હવે દોઢ કરોડની કિમતના આ મકાન પાછળ થયેલ નિવૃત શિક્ષિકાના હત્યારાને પોલીસ ક્યારે પકડી પાડે છે તે જોવું રહ્યું.