મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: અમદાવાદ બાદ રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ મુદ્દે પોલીસ તેમજ મનપા કમિશ્નરે સંયુક્ત રીતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમા 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યુ છે અને ફુટપાથ પરના પાથરણા, લારી ગલ્લા સહિત શાળા-કોલેજ તેમજ મોલની બહાર થતા પાર્કિગ સ્વૈચ્છિક રીતે હટાવી લેવા જણાવાયું છે. તેમજ જો આમ નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા આવા તમામ દબાણો કોઈપણ પ્રકારની શેહશરમ વિના દૂર કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે.

આ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ, ટ્રાફિકની સમસ્યાને લઈ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જે અંતર્ગત મનપા અને પોલીસ સયુંક્ત ઓપરેશન હાથ ધરશે. તેમજ રોડ સાઈડ પર ટ્રાફિક કરતા લારી ગલ્લાને દૂર કરી દેવામાં આવશે. ઉપરાંત શાળા કોલેજ બહાર રોડ પર પાર્કિંગ કરવામાં આવતું હોય તો તે પણ દૂર કરાશે. અને મેઈન રોડ પર રાખવામાં આવેલ ટેબલ હોર્ડિંગ્સ પણ કબ્જે કરવામાં આવશે.

શહેરમાં પે એન્ડ પાર્ક માટે કેટલીક જગ્યાઓ સુનિશ્ચિત કરાશે. મનપા દ્વારા બે ટોઇંગ વ્હિકલ શહેર પોલીસને આપવામાં આવ્યા છે. હાલ 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ જે કાયદાનુ પાલન નહી કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી નોટિસો આપવામાં આવનાર હોવાનું પણ આ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.

આ તકે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યુ હતું કે, વર્ષ 2016 માં વાહન અકસ્માતથી 154 લોકોના, અને વર્ષ 2017માં 161 લોકોના મોત નિપજ્યા છે. તેમજ ચાલુ વર્ષે પણ 76 જેટલા લોકો અકસ્માતે મોતને ભેટી ચુક્યા છે. જેને લઈને વધતા અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવી રહી છે. આ માટે 68 જગ્યાએ નો પાર્કિંગ સાઈન મુકવામાં આવી છે. તેમજ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડનની સંખ્યામાં વધારો કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.