મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરમાં અસામાજીક તત્વોનો આતંક દિવસે-દિવસે વધી રહ્યો છે. લુખ્ખાઓને જાણે પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ એક પછી એક લુખ્ખાગીરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરના પેડક રોડ પર આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં ટ્રાવેલ્સની ઓફિસમાં લોખંડના પાઇપ-ધોકા સાથે પાંચ શખ્સોએ તોડફોર્ડ કરી કર્મચારીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થતા પોલીસે ફુટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ગત તારીખ 13ના રોજ રાજકોટના પેડક રોડ પરની શિવકૃપા ટ્રાવેલ્સની ઓફિસમાં પાંચ જેટલા શખ્સો ઘુસ્યા હતા. અને લોખંડના પાઇપ તેમજ ધોકા વડે ઓફિસમાં તોડફોડ કરી કર્મચારીને માર પણ માર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ અસામાજીક તત્વોને જાણે કાયદાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ ખુલ્લેઆમ તોડફોડ મચાવી રહ્યા છે. ઘટના અંગે બી-ડિવિઝન પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ શાકભાજીના પાર્સલના પૈસા બાબતે આ ધમાલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.