મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરને સ્માર્ટસીટી બનાવવા અને દબાણો દૂર કરવા છેલ્લા ઘણા સમયથી મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે પણ શહેરના 150 ફૂટ રિંગરોડ પર ડિમોલિશન હાથ ધરાયું હતું. મનપાની આ કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. એક તબક્કે મામલો બોલાચાલી સુધી પહોંચી ગયો હતો. જો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. અને મનપાની રૂ. 80 કરોડની જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગેરકાયદેસર જગ્યા પર કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન RMCના કર્મચારીઓ સાથે સ્થાનિક દબાણ કરનાર વ્યકતિઓએ બોલાચાલી પણ કરી હતી. જોકે તેમ છતાં મનપાના અધિકારીઓએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ  કામગીરી પાર પાડી હતી. આજે કરાયેલા ડિમોલિશનમાં લગભગ 6 હજાર વાર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત અંદાજે 80 કરોડ રૂપિયા છે.