મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ : ખોડલઘામના પ્રમુખ પરેશ ગજેરાના રાજીનામાં પછી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનો સમાવેશ કરાયો છે. ખોડલધામની માતૃસંસ્થા ગણાતી લેઉવા પટેલ સમાજ દ્વારા સંચાલિત આ સંસ્થામાં ભાજપમાં પ્રભુત્વ ધરાવતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અત્યંત નજીક ગણાતા રૂપાપરાનો સમાવેશ થતા ખોડલધામમાં ભગવાકરણ તેમજ નરેશ પટેલની પીછેહઠ થયા સહિતની ચર્ચાએ જોર પકડ્યું છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ખોડલધામના ટ્રસ્ટીઓ ભાજપ અને કોંગ્રેસની વિચારધારામાં ફંટાતા મોટો વિવાદ થયો હતો. બાદમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. અને એક તબક્કે નરેશ પટેલે પણ રાજીનામું આપી દીધું હતું. જો કે બાદમાં સમાજ દ્વારા દબાણ કરવામાં આવતા તેમણે પોતાનું રાજીનામું પરત ખેંચ્યું હતું. આ ઘટનાના થોડા મહિનાઓ બાદ અચાનક પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું. તેઓ ભાજપમાં જોડાનાર હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

દરમિયાન અચાનક ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાની સરદાર પટેલ કલચર ફાઉન્ડેશનમાં એન્ટ્રી થતા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર સંસ્થાઓમાં ભાજપનું પ્રભુત્વ વધારવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન વિધાર્થીઓને નોકરીલક્ષી પરીક્ષાઓની તાલીમ આપે છે. તાજેતરમાં જ આ સંસ્થાના ટ્રસ્ટીઓની એક ઓડિયો કિલપ વાઇરલ થઇ હતી.  જેમા ટ્રસ્ટ્રી એવુ બોલતા હતા કે, ખોડલઘામનું કંઈ નથી. અને અમે તેને માત્ર બેસવાની જગ્યા આપી છે.