મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ: પડધરી તાલુકાના નાની અમરેલી ગામે માર મારવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડની તજવીજ ચાલી રહી હતી. આ દરમિયાન PSI દ્વારા આરોપીઓને લક્ઝરી હોટલમાં સુવિધા પુરી પાડવાનો વિડીયો સામે આવ્યો હતો. બનાવના પગલે જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ આર.પી.કોડિયાતરને સસપેન્ડ કરી વધુ તપાસના આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

પડધરીના અમરેલી ગામે રહેતા એક યુવાને ગામની મીલમાંથી નીકળતો પ્રદૂષિત ધુમાડો ગ્રામજનોના આરોગ્ય માટે હાનીકારક હોવાની ફરિયાદ કરી હતી. જેનો ખાર રાખી આ યુવાન રમેશભાઈ રાણાભાઈ મકવાણા પર 15થી વધુ શખ્સોએ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પડધરી પોલીસમાં હત્યાની કોશિશ અને એટ્રાેસિટીની ફરિયાદ નાેંધાઈ હતી. પડધરીના PSI આર.પી.કોડિયાતર સહિતના સ્ટાફે આ ગુનામાં ગામના કેટલાક પટેલ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

દરમિયાન પડધરીના PSI સહિતનો પોલીસ સ્ટાફ આરોપીઆેને જામનગર રોડ પર આવેલ ન્યારી પેલેસ હોટલમાં લઈ ગયો હતો. ફરિયાદી પક્ષ દ્વારા અહીં પોલીસે આરોપીઆેને લકઝરી સુવિધાઆે પુરી પાડી હોવાનો વિડીયો ઉતારી જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને SP દ્વારા પડધરીના PSI આર.પી.કોડિયાતરને સસ્પેન્ડ કરી આરોપીને લકઝરી સુવિધાઆે આપવામાં અન્ય કોના દ્વારા મદદગારી કરવામાં આવી છે. તેની તપાસ હાથ ધરી છે.