મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : તાજેતરમાં ફેસબુક સહિત સોશ્યલ મીડિયામાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા દેવી મોગલ માઁ સંદર્ભે અભદ્ર ટિપ્પણી વાયરલ કરવામાં આવી હતી. જેને લઈને ચારણ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જેને પગલે ઠેર-ઠેર આ કૃત્ય કરનારા આરોપીઓને ઝડપી પાડવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ એક રેલી કાઢી ગુનેગારોને તાત્કાલિક ઝડપી લેવાની માંગ કરવામાં આવી હતી.

સોશ્યલ મીડિયામાં માઁ મોગલ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને આજે સવારે શહેરના બહુમાળી ચોકથી પોલીસ કમિશ્નર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. તેમજ આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા ચારણ સમાજને ટેકો જાહેર કરાયો હતો. જેને લઈને ચારણ સમાજ સાથે રાજપૂત સમાજની તમામ સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરો પણ આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.