મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરમાં રોમિયોગીરી કરતા અસામાજીક તત્વોને આજે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી શહેરની વિવિધ ગર્લ્સ કોલેજો આસપાસ ચેકિંગ હાથ ધાર્યું હતું. અને કોલેજ આસપાસ રોમીયોગીરી કરતા યુવાનોના સીન વીખી નાખ્યા હતા. આવા યુવાનોને પોલીસે જાહેરમાં ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. હાજર રહેલા સૌ-કોઈએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ સમયાંતરે આવી કાર્યવાહી કરવી જરૂરી હોવાની લાગણી વ્યક્ત કરી હતી.


રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ કાફલા દ્વારા વહેલી સવારથી શહેરની કોલેજો આસપાસ ચાલતી ગેરરીતિ ડામવા સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું. દરમિયાન કેટલીક ગર્લ્સ કોલેજ આસપાસ ભમરાની માફક મંડરાતા અને યુવતીઓની છેડતી કરતા શખ્સો પોલીસની ઝપટે ચડ્યા હતા. પોલીસે જાહેરમાં જ ઉઠક-બેઠક કરાવી આવા શખ્સોના સીન વીખી નાખતા રોમિયોગીરી કરનારા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.