મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ચાંદીના વજન અને ગુણવત્તા મામલે વેપારીને ફડાકો ઝીંકી કાનનો પડદો ફાડી નાખવાના પ્રકરણના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ અંગે વેપારીઓની રજૂઆત બાદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે PSI સામે આકરા પગલાં લેવાના નિર્દેશો આપ્યા છે. તેમજ આ મામલે બે દિવસમાં રિપોર્ટ આપવા તાકીદ પણ કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે સક્રિય ભૂમિકા ભજવવાની છે. પરંતુ પોલીસકર્મી કાયદો હાથમાં લે તો ચલાવી શકાય નહીં. પ્રાથમિક તપાસમાં PSI કાનમિયાએ થોડી અતિશયોક્તિ કરી હોય તેવું લાગી રહ્યું છે. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચના PI એચ.એમ.ગઢવીને તપાસ સોંપવામાં આવી છે. અને બે દિવસમાં રિપોર્ટ કરવા તાકીદ કરાઇ છે. જો PSI દોષિત જણાશે તો તેની સામે આકરા પગલાં લેવામાં આવશે.

જાણો શું હતો સમગ્ર મામલો

શહેરના માંડવી ચોકમાં નીલકંઠ જવેલર્સ નામે પેઢી ધરાવતા જીગ્નેશ મહેતાએ અન્ય વેપારીઓ સાથે પોલીસ કમિશ્નરને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ ડીસીબીના કોન્સ્ટેબલ રામભાઈ તારીખ 15ને સાંજે દુકાને આવ્યા હતા. અને રૂપિયા 1.25 લાખની કિંમતના ચાંદીના છત્તર અને મુગટ લઇ ગયા હતા. બાદમાં ઓફિસે બોલાવી છત્તર સામે ચાંદી આપી હતી. અડધો કલાક પછી ફોન કરી ચાંદી લઈને પરત ડીસીબી કચેરીએ આવવા જણાવ્યું હતું. જેને લઈને પોતે ધવલ નામના કર્મચારીને મોકલતા તેને બે કલાક બેસાડી રાખ્યો હતો. 

બાદમાં વેપારી જીગ્નેશભાઈ પોતે ત્યાં જતા પીએસઆઇ કાનમિયાએ ગાળો ભાંડી, ચોર જેવું વર્તન કરી કાનમાં ફડાકો માર્યો હતો. જેમાં કાનનો પડદો ફાટી જતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારે વેપારી સાથે ગુનેગાર જેવું વર્તન કરનાર આ બંને સામે પગલાં લેવા સોની બજાર વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.