મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: સોમવારે મોડી રાત્રે રતનપર ગામની સીમમાં ચાલતા દારૂના કટિંગ સમયે ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી હતી. તેમજ વિદેશી દારૂની 1,020 બોટલ સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે બુટલેગરને પણ ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આકરું પગલું ભર્યું હતું અને કુવાડવા પોલીસ મથકના PI એ.આર. મોડિયાને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. પોલીસ કમિશ્નરના પગલાંથી પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા પોલીસ ચોકીના વિસ્તાર રતનપરમાંથી ઓઈલના ટેન્કરમાં છુપાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા સહિત ટેન્કર, હોન્ડા સીટી કાર નંબર GJ-11/AD/6463, બે બાઈક ઉપરાંત બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 20,48,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ એક તરફ તહેવાર ટાણે જ દારૂની રેલમછેલ બોલાવવા ઉતરેલા બુટલેગર ઉપર પોલીસ ધોંસ બોલાવી રહી છે. ત્યારે બીજી તરફ કુવાડવા પોલીસ ઊંઘતી ઝડપાતા પોલીસ કમિશ્નર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું હતું.