મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’થી પ્રેરણા લઇ રાજકોટની મહીલાઓએ પેડવુમન ગ્રુપ બનાવ્યું છે. શહેરની કેટલીક વિદ્યાર્થિનીઓએ મહિલા, યુવતિઓને જાગૃત કરવા માટે પોતાના ખર્ચે જાતે જ જેટલા પેડ બનાવી હોસ્પિટલમાં વિતરણ પણ કર્યાં હતા. શહેરની જનાના હોસ્પિટલ કે જ્યાં પછાત વર્ગની માતા બાળકોને જન્મ આપે છે ત્યાં જઇને પેડવુમન ગ્રુપે પેડ વિતરણ કરવાનું શરૂ કર્યું છે. તેમજ આગામી સમયમાં પણ આ કાર્ય ચાલુ રાખવાનો ઉમદા નિર્ણય પણ કર્યો છે.

પેડવુમન ગ્રુપની શરૂઆત કરનારી યશ્વી દોઢીવાળા કહે છે કે, તેણીને અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘પેડમેન’માંથી આ વિચાર આવ્યો અને પોતાની બહેન વિભુતીને વાત કરી કે જે ફેશન ડિઝાઇન સ્ટુડિયો ધરાવે છે. વિભુતીએ આ માટેની ડિઝાઇન બનાવીને કામ શરુ કર્યું. કોટનના વેસ્ટ કપડાંમાંથી રૂપિયા 10 હજાર ખર્ચીને 1500 પેડ બનાવ્યા. બાદમાં જરૂરિયાતવાળી મહિલાઓને વિતરણ કરી તેનો ક્ષોભ દુર કરવાની વાત અમલમાં મુકી છે.

યશ્વી અને વિભુતીના આ પેડ અન્ય પેડ કરતા ઘણા અલગ છે. પ્યોર કોટનના બનેલા આ પેડ એકવાર યુઝ કરી ફરી વાપરી શકાય છે. જેથી ખોટા ખર્ચ થતા નથી. તેમજ આ વોશેબલ પેડ યુઝ કરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી. બંને બહેનોના આ વિચારને અનેક લોકોએ વઘાવ્યો હતો અને આવનારા દિવસોમાં જરૂરિયાતમંદને આ પેડ વિતરણ કરવાનું ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.