મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : પડધરીમાં સગીરાઓના અપહરણ-દુષ્કર્મના કેસમાં જેલની સજા ભોગવી રહેલા લંપટ શિક્ષકે પેરોલ પર છૂટતા જ વધુ એક યુવતીને પોતાનો શિકાર બનાવી છે. નરાધમે ચોટીલાની કોલેજમાં ભણતી યુવતીને પોતાની મોહજાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યાની વિગત સામે આવી છે. યુવતીના પિતાએ પોતાની પુત્રીના ગુમ થયાની અને તેનું અપહરણ ધવલ ત્રિવેદી કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

પડધરીના પટેલ કન્યા છાત્રાલયમાં બે સગીરાઓને ગોંધી રાખી દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સજા ભોગવનાર ધવલ ત્રિવેદીએ પેરોલ ઉપર છૂટીને વધુ એક યુવતીને શિકાર બનાવી છે. ધવલે ચોટીલામાં ખાનગી કલાસીસ શરૂ કરીને યુવતીઓના ટ્યુશન શરૂ કર્યા હતા. દરમિયાન તેના કલાસમાં આવતી એક યુવતીને મોહજાળમાં ફસાવી અપહરણ કર્યાનું સામે આવ્યું છે.  હાલ આરોપી ધવલ ત્રિવેદી ગુમ છે અને તેની સાથે ગુમ થયેલી યુવતીનું મોબાઈલ લોકેશન પણ મળતા ચોટીલા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પડધરીની ઘટનામાં પોલીસના સકંજામાં આવ્યા બાદ તેણે 10 યુવતીઓને શિકાર બનાવવાનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતુ અને પોતાના જીવન પર "અ ટેન પરફેક્ટ વુમન ઇન માય લાઈફ" નામનું પુસ્તક લખવાનું જણાવ્યું હતું. આ નફ્ફટ શિક્ષક આજ સુધી 7 યુવતીઓને શિકાર બનાવી ચુક્યો છે અને ગત તારીખ 11ના રોજ વધુ એક યુવતીનું અપહરણ કરી ગયાનું સામે આવ્યું છે.