મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: વર્ષ 2017માં એટીએસ દ્વારા નહેરુનગરમાંથી બે આતંકીભાઇઓની ધરપકડ કરાઈ હતી. હાલ તેઓ રાજકોટની સેન્ટ્રલ જેલમાં છે. એનઆઇએની ટીમ આ બંને ભાઈઓની પૂછપરછ માટે રાજકોટ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ IS આતંકી મુક્તિ અબ્બાસ સમીની ધપરકડ બાદ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેને લઇને બંનેની પૂછપરછ કરવામાં આવનાર છે. આગામી તારીખ 3થી 7 સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવનાર હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

હાલમાં એનઆઈએ દ્વારા IS આતંકી મુક્તિ અબ્બાસ સમીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુક્તિએ અબુ બકર ઉર્ફે અબુ બગદાદીના જીવન પર આધારિત વિડિયો ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વાઇરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ VOIP દ્વારા પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વાત કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ત્યારે આ મુદ્દે બન્ને આતંકી ભાઇઓનુ કનેકશન છે કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવનાર છે.

જાણો શું હતો સમગ્ર મામલો

વર્ષ 2017માં રાજકોટમાંથી વસીમ રામોડિયા અને નઈમ રામોડિયા નામના બે આંતકવાદીઓ પકડાયા હતા. આ બંને ISIS ના સભ્યો હોવાની જાણકારી મળતા એટીએસ દ્વારા બંનેને દબોચી લેવાયા હતા. તેમજ તેમની પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી હાથ લાગી હતી. જેમાં 90 ગ્રામ ગન પાઉડર, 9 વોલ્ટની બેટરી સહિતની સામગ્રી એટીએસએ કબ્જે કરી હતી. તપાસ દરમિયાન બંને સગા ભાઈઓ હોવાનું પણ ખુલ્યું હતું.

આ બંને ભાઈઓએ શહેરના ગુંદાવાડી વિસ્તારમા બોમ્બ રાખવાનો પ્લાન તૈયાર કર્યો હતો. તેમજ એક દુકાનને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત ચોટીલામાં પણ બંનેએ રેકી કરી હોવાનું જે તે સમયે બહાર આવ્યું હતું. સાથે જ આ બંને ભાઈઓ ફેસબૂકમાં આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા પેજ પર એક્ટીવ હતાં. તમામ બાબતે પુરતા પુરાવા મળતા એટીએસે તેઓને રાજકોટથી ઉઠાવી લીધા હતા. અને હાલ તેઓને સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે.