મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાયા બાદ આ મામલે કૌભાંડ થયાની વિવિધ અટકળો ચાલી રહી હતી. ત્યારે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને મગફળી ખરીદીમાં મોટો ગોટાળા થયા હોવાનું સ્વીકાર્યું હતું, પણ આ મામલે તેમણે નાફેડ પર લાગેલા તમામ આરોપોનું ખંડન કર્યું હતું. ગોડાઉનમાં લાગેલી આગ અને મગફળીના કોથળામાં માટી ભેળવવામાં વેરહાઉસ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં વાઘજી બોડાએ વધુમાં જણાવ્યું હતું કે, નાફેડ ખેડૂત માટે આશરે 60 વર્ષ પહેલા રચાયેલી સંસ્થા છે. તે ભારતમાંથી ખેડૂતોની જણસીનું ખરીદ-વેચાણ આયાત નિકાસ કામ કરે છે. આગ લાગી તે ગુજરાત વેર કોર્પોરેશન અને એપીએમસીમાં જ લાગી હતી. મારી સરકાર પાસે માગણી છે કે તપાસ કરાવે કે મગફળીમાં ધૂળ ક્યાંથી આવી. ગુજરાતની આબરૂના લીરા ઉડ્યા છે. ગુજરાત યુપી અને બિહાર જેવું થઇ ગયું છે. 

ગોડાઉન ભાડે રાખતી વખતે ગોડાઉનની સ્થિતિ સારી રાખવી જેમ કે હવા ઉજાસ, ફરતે 2-2 ફૂટનો માર્ગ હોવો અને સિક્યુરિટી સહિતની જવાબદારી વેરહાઉસની હોય છે, પરંતુ વેરહાઉસ કોઇ નિયમનું પાલન કરતી નથી. વાઘજી બોડાએ રાજ્ય સરકાર પર પ્રહારો કરી જણાવ્યું હતું કે, કૃષિમંત્રી આર.સી. ફળદુએ કહ્યું હતું કે, મગફળી સળગવા માટે નાફેડ જવાબદાર છે, પરંતુ આ વાત સત્યથી વેગળી છે. આથી સરકાર આ અંગે તપાસ કરાવે તે જરૂરી હોવાનું તેમણે અંતમાં કહ્યું હતું.