મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના નાનામૌવા વિસ્તારમાં ખોડલધામ નોર્થ ઝોન સમિતિ દ્વારા અને મવડી નજીક વેસ્ટ ઝોન દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં વર્ષ 2016માં 'બેસ્ટ ઇવેન્ટ ઓફ ધ યર'નો અને ગતવર્ષે સૌથી લાંબી ચેઇન સાથે ત્રણ કલાક ગરબે રમવા જેવા વિવિધ રેકોર્ડ સર્જાયા હતા. ચાલુ વર્ષે નોર્થ ઝોને વધુ એક રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. 6 હજારથી વધુ ખેલૈયાઓએ સાફા પહેરીને ગરબે ઘૂમી 'ગોલ્ડન બૂક ઓફ રેકોર્ડ'માં દાવેદારી નોંધાવી છે. ગોલ્ડન બુકના નિરીક્ષકો પણ આ અદ્ભૂત દ્રશ્યો નિહાળવા માટે ખાસ હાજર રહ્યા હતા.

ખોડલધામ નોર્થ ઝોન સમિતિ દર વર્ષે કઈંક અલગ કરવા માટે જાણીતી છે. છેલ્લા બે વર્ષથી વિવિધ રેકોર્ડ કરનાર આ સમિતિઓ દ્વારા વધુ એક રેકોર્ડ માટે દાવેદારી નોંધાવવામાં આવી છે. જેમાં 6 હજારથી વધુ ખેલૈયાઓએ ટ્રેડીશનલ ડ્રેસની સાથે-સાથે સાફા ધારણ કર્યા હતા. એટલું જ નહીં આ પહેરવેશમાં જ તેઓ એક કલાક કરતા વધુ સમય સુધી ગરબે ઘૂમ્યા હતા. બીજીતરફ ખોડલધામ વેસ્ટ ઝોનમાં પણ 4 હજાર જેટલા ખેલૈયાઓ ગોગલ્સ પહેરી ગરબે ઘૂમ્યા હતા. અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડસમાં પોતાની દાવેદારી નોંધાવી હતી. આ માટે ખાસ આવેલી નિર્ણાયકોની ટીમના જજમેન્ટ બાદ ખોડલધામના આ નવરાત્રી મહોત્સવોનું નામ દુનિયાભરમાં ગુંજી ઉઠશે.