મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરનાં અંબીકા ટાઉનશીપમાં યોજાતા કડવા પાટીદાર સમાજના રાસોત્સવ ક્લબ યુવીમાં આઠમાં નોરતે માઁ ઉમિયાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. 8મું નોરતું ખાસ માઁ ઉમિયાનું નોરતું માનવામાં આવતું હોઈ ખાસ આ મહાઆરતી યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રની 10 જેટલી કડવા પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એકસાથે 12 હજારથી વધુ લોકો દ્વારા કરવામાં આવેલી મહાઆરતીના પ્રકાશથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કડવા પાટીદારના કુળદેવી માઁ ઉમિયાના મંદિરની સ્થાપના કરવામાં આવે છે. તેમજ દરરોજ તેમની પુજા અર્ચના અને વિવિધ મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવે છે. આઠમું નોરતું ઉમિયા માતાજીનું હોઈ ક્લબ યુવીમાં અનેરૂ મહત્વ ધરાવે છે. ત્યારે ગતરાત્રે આઠમાં નોરતે 12 હાજર કરતા વધુ લોકો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. આ ભવ્ય મહાઆરતીમાં માઁ ઉમિયાના 10 સ્થાનકોના ધ્વજાજીની પધરામણી કરવામાં આવી હતી અને 20 હજારથી વધુ લોકોએ આ દિવ્ય મહાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.