મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: આવતીકાલે શહેરમાં યોજાનાર મેરેથોન દોડને લઈને મેયર, મ્યુનિસિપલ કમિશ્નર તેમજ પોલિસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાને આ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કરવામાં આવ્યા હતા. તેમજ ચેતેશ્વર 10 કિમીની દોડમાં ભાગ લેનાર હોવાનું જણાવાયું હતું. તેમજ ગત વર્ષના 63594ને બદલે ચાલુવર્ષે 64160 દોડવીરોના રજીસ્ટ્રેશન થતા નવો રેકોર્ડ સ્થાપિત થયો હોવાની માહિતી આપવામાં આવી હતી. તેમજ કલ્પનાતીત સફળતા અપાવવા સૌને અપીલ સાથે આહવાન કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મેરેથોનને વહેલી સવારે 5 વાગ્યે ફ્લેગઓફ કરનાર હોઈ લોકોને મોટી સંખ્યામાં ઉમટી પડવાની હાકલ કરવામાં આવી હતી. 

આ મેરેથોન પ્રસ્થાન થતા જ આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને વધુ એક નવું સીમાચિન્હ પ્રાપ્ત થશે. આ મેરેથોનમાં કુલ 1404 દિવ્યાંગ ભાઈ-બહેનો પણ ભાગ લેશે. આ ઉપરાંત વિદેશના 19 દોડવીરો જેમાં કેન્યાના 3 બહેનો અને 6 ભાઈઓ તથા ઈથિયોપિયાના 5 બહેનો અને 10 ભાઈઓનો સમાવેશ થાય છે. સાથોસાથ ભારતમાંથી ગુજરાત બહારના રાજ્યોના 85 અને રાજકોટ સિવાયના અન્ય શહેરોના 716 દોડવીરો ભાગ લેશે. મેરેથોન માટે થયેલા દોડવીરોના રજીસ્ટ્રેશનમાં 42 કિમીની ફૂલ મેરેથોનમાં કુલ 154 દોડવીરો, 21 કિ.મી.ની હાફ મેરેથોનમાં 2223 સ્પર્ધકો, 10 કિ.મી. ની ડ્રીમ રનમાં 4359 દોડવીરો, જ્યારે 5 કિ.મી.ની રંગીલા રાજકોટ રનમાં 56020 તેમજ 1 કિ.મી.ની દોડમાં 1404 દિવ્યાંગ ભાઈ બહેનો ભાગ લેશે. ઉપરાંત આ તમામ પાંચ કેટેગરીની દોડમાં કુલ 23925 મહિલા સ્પર્ધકોનો સમાવેશ થશે.

રાજકોટ મેરેથોનના આયોજનને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. મહાનગરપાલિકા અને શહેર પોલિસના અધિકારીઓ, કર્મચારીઓ, સ્પોન્સરો, પાર્ટનરો, અન્ય સહયોગી સંસ્થાઓ, શાળાઓ-કોલેજો, વિવિધ મંડળોના હોદેદારો અને સભ્યો તેમજ અસંખ્ય સ્વયંસેવકો રાજકોટ મેરેથોનને અદભૂત સફળતા અપાવવા અથાક જહેમત ઉઠાવી રહ્યા છે. સ્વછતાની થીમ સાથે યોજાયેલ રાજકોટ મેરેથોન જાહેર સ્વછતા માટે જનજાગૃતિ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે તેવી આશા મેયર, પોલિસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરે વ્યક્ત કરી હતી.