મેરાન્યૂઝ, રાજકોટ: રાજકોટની 13 વર્ષીય માનસી સોની ટીવી પર દર શનિ-રવિ રાત્રે 8 વાગ્યે પ્રસારિત થતા લોકપ્રિય ડાન્સ રિયાલીટી-શો 'સુપર ડાન્સર'ના મેગા ઓડિશન રાઉન્ડ સુધી પહોંચી છે.

રાજકોટની કેન્દ્રીય વિધાલયમાં ધોરણ-8માં અભ્યાસ કરતી માનસી ધ્રુવને નાનપણથી જ ડાન્સનો ખૂબ શોખ હતો. જેને લઈને માત્ર સાત વર્ષની ઉંમરથી જ માનસીએ પલ્લવીબેન વ્યાસ પાસેથી કથ્થક નૃત્યની તાલીમ મેળવવાનું શરૂ કર્યું હતું. તેમજ છેલ્લા બે વર્ષથી રાજકોટની જે એન્ડ ડી મ્યુઝીક ડાન્સ કંપનીના જયદીપ ટીમાણીયા પાસેથી વેસ્ટર્ન ડાન્સ પણ શીખી રહી છે. આ દરમિયાન માનસીએ જુદી-જુદી 20થી વધુ લોકલ તેમજ રાજ્ય લેવલની સ્પર્ધાઓમાં વિજેતા બની એવોર્ડ તેમજ સર્ટિફિકેટ મેળવ્યા હોવાનું માનસીના પિતા મેહુલકુમાર ધ્રુવે જણાવ્યું હતું.

માનસી ધ્રુવ કહે છે કે, આ સફર ઘણી લાંબી અને કઠિન રહી હતી. આ પ્રક્રિયાની શરૂઆતમાં વડોદરામાં સુપર ડાન્સર શો માટે બે ઓડિશન લેવામાં આવ્યા હતા. જેમાં આખા રાજ્યમાંથી 1800 જેટલા બાળ ડાન્સરો ઓડિશન આપવા આવ્યા હતા. આટલા બધામાંથી માત્ર 20ની જ પસંદગી કરવામાં આવી હતી. આજ રીતે અલગ-અલગ રાજયોમાંથી સિલેક્શન થયેલા 300 ડાન્સરોની ગત માસમાં મુંબઈના બાંદરા ખાતે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ આ 300 ડાન્સરો પૈકી 60 સુપર ડાન્સર સિલેક્ટ કરાયા હતા.

આ 60 સુપર ડાન્સરોનો અનુરાગ બસુ, શિલ્પા શેટ્ટી અને ગીતા કપૂર સાથે સ્ટુડિયો રાઉન્ડ થયો હતો. આ રાઉન્ડમાં નિર્ણાયકોની સામે સુંદર પરફોમૅન્સથી માનસીનું આગળના 45 બાળકોના રાઉન્ડમાં સિલેકશન થયું હતું. આ 45 બાળકોને મુંબઈના જ કોરિયોગ્રાફરોએ હીપહોપ, કન્ટેમ્પરરી બોલિવુડ સ્ટાઈલ શિખવ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર 45 ડાન્સરોનું એક ઓડિશન કરી તેમાંથી માત્ર 30 બાળકો પસંદ કરાયા હતા. આ 30 બાળકોના મેગા રાઉન્ડમાં સુધી માનસી પહોંચી ચુકી છે. અને આગામી 7-8 ઓક્ટોબરે સોની ટીવી પર પ્રસારિત થનારા એપિસોડમાં માનસીની ડાન્સ કલા લોકોને જોવા મળશે.