મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: તહેવારો દરમિયાન ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. છતાં અસામાજીક તત્વોમાં જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ દિલ્હીમાં પણ બનવા પામી છે.

બેકાબુ બનેલા આવારા તત્વો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ગત મોડીરાત્રે શહેરના 24 કલાક જાગતા સદર બજાર વિસ્તારમાં 3 બાઈક અને બે રિક્ષાઓને આગ ચાંપી દીધી હતી. બનાવ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને એફએસએલના અધિકારીઓને સાથે રાખી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. બીજીતરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.